
રાજકોટઃ શહેર નજીક હીરાસર ગામ પાસે અદ્યતન એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે. આ એરપોર્ટ તૈયાર થઈ જતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું આવન-જાવન શરૂ થઈ જશે. તેને લીધે રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ સહિતના વિદેશ જવા અને આવવાવાળા પ્રવાસીઓને મોટો લાભ થશે. હાલ અમદાવાદ-રાજકોટ હાઈવે નજીક હીરાપર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે. જેમાં ટર્મિનલનું કામ ઓગસ્ટ મહિનામાં પૂર્ણ કરવા એરપોર્ટ ઓથોરિટીના ચેરમેને તાકિદ કરી છે.
રાજકોટ નજીક નવા બની રહેલા હીરાસર એરપોર્ટની મુલાકાતે એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવ કુમાર આવ્યા હતા. તેમણે તમામ કામોનું નિરિક્ષણ કર્યું હતું. અને બાકી કામો વહેલા પૂરા કરવા માટે તાકીદ કરી હતી. હિરાસર એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ ઓગસ્ટ -2022 સુધીમાં પૂરું થઇ જશે. અને પ્રથમ ઈનોગ્રેશન ફ્લાઇટ ઓપરેટ થશે.
એરપોર્ટ સૂત્રોના જણાવ્યા મુજબ સંજીવ કુમાર દિલ્હીથી ફ્લાઇટ મારફતે રાજકોટ એરપોર્ટ પર આવ્યા બાદ ત્યાંથી તેઓ હિરાસર એરપોર્ટના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. તેમજ કામ કરતા કર્મચારી, કોન્ટ્રાક્ટર સાથે તેમણે બેઠક કરી હતી. તેમજ સમસ્યા જાણી હતી.કેટલાક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કર્યું હતું. સંજીવ કુમારે કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી હતી. જણાવ્યું હતું કે, જો એક શિફ્ટમાં કામ ચાલતું હોય તો ત્રણ શિફ્ટમાં કામ કરો જેથી કામ વધુ ઝડપી બને. હિરાસર એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ ઓગસ્ટ માસ સુધીમાં પૂરું થાય તે માટે તાકીદ કરી હતી. જ્યારે અન્ય કામકાજ નવેમ્બર 2022 સુધીમાં પૂરું થઇ જાય તેમ જાણવા મળી રહ્યું છે. હિરાસર એરપોર્ટ પર 2700 મીટરનો રન-વે તૈયાર થઇ ગયો છે. બાઉન્ડરી વોલની કામગીરી પૂર્ણતાના આરે છે. બોકસ કલ્વર્ટની કામગીરી હાલમાં ચાલી રહી છે.બેઠકમાં જિલ્લા કલેક્ટર, એરપોર્ટ ડિરેક્ટર સહિતના વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીના ચેરમેને ટર્મિનલ બિલ્ડિંગ, એટીસી બિલ્ડિંગ, ફાયર સ્ટેશન બિલ્ડિંગ સહિતની કામગીરી નિહાળી હતી. હિરાસર એરપોર્ટ પર ઈનોગ્રેશન ફ્લાઇટ ઓપરેટ થશે. પણ આ ફ્લાઇટ કોની હશે, ક્યા દિવસે લેન્ડ થશે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી કે શિડ્યૂલ હજુ જાહેર નહિ થયો હોવાનું એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું. (file photo)