
વલસાડઃ ગાંધીનગર- મુંબઈ વચ્ચે શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેન સાથે ફસુ અથડાવવાના બનાવો બની રહ્યા છે. વંદે ભારત ટ્રેન જ્યારથી પાટા પટથી દોડતી થઈ છે ત્યારથી તેને અકસ્માતોનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે વંદેભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વલસાડના વાપી પાસે વંદે ભારત ટ્રેનની અડફેટે ગાય આવી ગઈ હતી. તેથી થોડા સમય સુધી ટ્રેન રોકવામાં આવી હતી. જોકે, વંદે ભારત ટ્રેનની અડફેટે ગાયનું મોત નિપજ્યું હતું. તેથી ગાયના મૃતદેહને ટ્રેક પરથી દુર કરી ફરી ટ્રેનને મુંબઈ તરફ રવાના કરાઇ હતી. આ અકસ્માતથી વંદેભારત ટ્રેનના આગળના ભાગને થોડું નુકસાન થયુ હતું. પરંતું મોટી દુર્ઘટના ટળી હતી. અવારનવાર વંદે ભારત ટ્રેનની અડફેટે પશુઓ આવતા અકસ્માતો સર્જાય રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વંદે ભારત ટ્રેન સાથે ટ્રેક પર રખડતા ઢોર અથડાવવાના બનાવો બને છે. આ ટ્રેનને અત્યાર સુધી ઘણા અકસ્માત નડ્યા છે. ટ્રેનને આડે રખડતા ઢોર આવતા ટ્રેનને નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો છે. હવે અકસ્માતો રોકવા માટે તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો હતો. અકસ્માત રોકવા સુરતથી અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવવાનો નિર્ણય લેવાયો હતો. આજે ફરી વલસાડ પાસે વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ હતી. ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, હવે ટ્રેન સાથે અકસ્માત થઈ રહ્યાં છે. અત્યાર સુધી રોડ પર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોર માણસોને અડફેટે લેતા હતા. ત્યારે હવે રખડતા ઢોરો ટ્રેનોને અથડાઈ રહ્યાં છે. જો અકસ્માત મોટો હોય તો ટ્રેનમાં સવાર હજારો મુસાફરોના જીવનું જોખમ બની શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વંદે ભારત ટ્રેન સાથે વારંવાર પશુ અથડાવવાની ઘટનાઓ રોકવા રેલ્વે વિભાગે મોટો નિર્ણય લીધો છે. સુરતથી અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવાશે. 140 કરોડના ખર્ચે 170 કિમીના અંતરમાં રેલવે લાઈનની બંને બાજુ થ્રી લેયર મેટલ ક્રેશ બેરિયર લગાવાશે. વડોદરા ડિવિઝન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. મેટલ બેરિયરની કામગીરી માટે 15 કંપનીઓએ ટેન્ડર ભર્યા છે. 2023 માં આ કામ પૂરું કરવાનું આયોજન છે. (file photo)