Site icon Revoi.in

અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટના બે દિવસીય શોને લીધે તંત્ર બન્યુ એલર્ટ

Social Share

અમદાવાદઃ શહેરમાં તા.25મી અને 26મી એટલે કે શનિવાર અને રવિવાર બે દિવસ કોલ્ડ પ્લે કાન્સર્ટ પ્લેનો ક્રેઝ જોવા મળશે.  શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા આ શોને નિહાળવા માટે બે લાખથી વધુ લોકો ઉમટી પડશે. જેના પગલે શહેર પોલીસે સુરક્ષાનો એકશન પ્લાન તૈયાર કરી દીધો છે. 14 ડીસીપી, 25 એસીપી, 63 પીઆઈ, 142 પીએસઆઈ તથા 3581 હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 3825 પોલીસ કર્મચારીઓને સ્ટેડિયમની બહાર અને અંદર બંદોબસ્તમાં મુકાશે. સાથે જ એનએસજી કમાન્ડોની ટીમ પણ તૈનાત રહેશે. જેમાં સ્ટેડિયમની બહારથી લઈને અંદર સુધીની સુરક્ષાને ધ્યાનમાં રાખી મેડિકલના 11 ડોમ, 7 એમ્બ્યુલન્સ, 2 મિનિ હોસ્પિટલ (3 બેડવાળી), 6 ઈન્ફર્મેશન ડેસ્ક હશે. આ કોન્સર્ટમાં 5 વર્ષથી નાના બાળકોને પ્રવેશ એન્ટ્રી નહીં મળે. સાથે જ પ્રેક્ષકોને ઈયર પ્લગ અપાશે. સ્ટેડિયમની અંદર લાખોની સંખ્યામાં દર્શકો હોવાથી તેમની ગતિવિધિ પર પણ પોલીસની નજર રહેશે. જેના માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવાયો છે. સ્ટેડિયમની અંદર લાગેલા 270 કેમેરાનું સતત મોનિટરિંગ કરવા માટે એક સ્પેશિયલ ટીમ પણ બનાવાઈ છે.

અમદાવાદ શહેરમાં સાબરમતી મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ વિશ્વપ્રખ્યાત બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાશે. જેને પગલે ગુજરાતનાં વિવિધ શહેર-જિલ્લા તથા દેશભરમાંથી મ્યુઝિક લવર્સ અમદાવાદ આવી પહોંચશે.  આ કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોએ ટિકિટ-પાર્કિંગની સાથે સાથે હોટેલ રૂમ બુક કરી લીધા છે. જેથી શહેરની હોટલોમાં આવેલા 15 હજાર જેટલા રૂમ્સ લગભગ ફુલ થઈ ગયા છે. આ સ્થિતિને કારણે સ્ટેડિયમ પાસે આવેલા છાપરાવાળાં ઘરોમાં પણ કોલ્ડપ્લે પ્રેમીઓ રૂમ બુક કરી રહ્યા છે.

મોદી સ્ટેડિયમમાં કોલ્ડ કોન્સર્ટ સાંજે 5.15 થી ચાલુ થશે અને 10 વાગે પૂર્ણ થશે. જેના કારણે પ્રેક્ષકોને 2 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવામાં આવશે. પ્રેક્ષકો સ્ટેડીયમમાં પ્રવેશ કરે તે પહેલા ગેટ પર ફિઝિકલ ચેકિંગ, પર્સ, બેગનું ચેકીંગ થશે. જે બાદ અંદર જતા મેટલ ડિટેક્ટરથી તપાસ કરવામાં આવશે. 25 અને 26 જાન્યુઆરીના દિવસે બપોરના 12.30 વાગ્યાથી જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો આવતો- જતો માર્ગ વાહન વ્યવહારોની અવર જવર માટે બંધ કરવામાં આવશે. જ્યાં સુધી કોન્સર્ટ પૂરો ના થાય ત્યાં સુધી આ રસ્તો વાહનોની અવર જવર માટે પ્રતિબંધ રહેશે. જેથી વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈ પાવર હાઉસ થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. કૃપા રેસિડેન્સી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે.

મ્યુનિ.ના ફાયર વિભાગ દ્વારા કોલ્ડપ્લેના આયોજકોને જણાવાયું છે. કે 60 ટ્રેન્ડ ફાયર માર્શલની વ્યવસ્થા કરવામાં આવે. જેથી કોઈપણ સંજોગોમાં લોકોને બચાવી શકાય. અને કોલ્ડપ્લેના આયોજક દ્વારા ફાયર સેફ્ટી ઓડિટ રિપોર્ટ પણ મ્યુનિ.નો સોંપવામા આવે. ફાયર અલાર્મ સિસ્ટમ લગાવાય જેથી કોઈપણ સંજોગોમાં ઓડિયો અને વિઝ્યુઅલ માધ્યમ વડે સિગ્નલ આપી શકાય. બહાર નીકળવાના તમામ દરવાજાઓ ખુલ્લા હોવા જોઈએ. ટેમ્પોરેરી સ્ટ્રક્ચરને ફાયરથી બચાવી રાખવા માટેની પુરતી જગ્યા હોવી જોઈએ.