
ભારતમાં એપ્રિલ 2022થી વ્હીકલ સ્ક્રેપેજ પોલીસી થશે લાગુ
દિલ્હીઃ દેશમાં પ્રદુષણ ઘટાડવા માટે સરકાર ઈ-વાહનને પ્રાત્સાહન આપી રહી છે. દરમિયાન દેશમાં સરકારી વિભાગો અને પીએસયુ દ્વારા ખરીદવામાં આવેલા 15 વર્ષથી વધુ વયના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિને ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે અને 1 એપ્રિલ 2022 થી તેનો અમલ કરવામાં આવશે. માર્ગ પરિવહન, હાઇવે અને એમએસએમઇ પ્રધાન નીતિન ગડકરીએ વાહન સ્ક્રેપેજ નીતિને મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે, હાઇવે અને એમએસએમઇ પ્રધાન નીતિન ગડકરીએ સરકાર વિભાગ અને પીએસયુની માલિકીના 15 વર્ષથી વધુ જુના વાહનોની નોંધણી રદ અને સ્ક્રેપ કરવાની નીતિને મંજૂરી આપી છે. હજી સુધી જાહેરાત કરવાની બાકી છે, આ નીતિ ભારતમાં 1 એપ્રિલ 2022 થી લાગુ કરવામાં આવશે.
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ અને પ્રમોશનને વેગ આપવા માટે સરકારે જુલાઈ 26, 2019 ના રોજ, મોટર વાહનના માપદંડમાં સુધારાની દરખાસ્ત કરી હતી. જેથી 15 વર્ષ કરતા વધુ જૂનાં વાહનોને દૂર કરવામાં આવી શકે.
માર્ગ પરિવહન, રાજમાર્ગો અને એમએસએમઈ પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં કહ્યું હતું કે, અમે દરખાસ્ત રજૂ કરી છે અને હું આશા રાખું છું કે વહેલી તકે સ્ક્રેપિંગ નીતિ માટે મંજૂરી મળી જશે. એક વખત નીતિ મંજૂર થઈ જશે પછી ભારત એક ઓટોમોબાઈલ હબ બનશે અને ઓટોમોબાઈલના ભાવ પણ નીચે આવી જશે. તેમણે કહ્યું હતું કે જુના વાહનોમાંથી રિસાયકલ કરેલી સામગ્રીની કિંમતોને ઘટાડવામાં મદદ મળશે.