
અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યોઃ બાઈક ચાલકને અડફેટે લીધો
અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર મામલે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. બીજી તરફ કોર્ટે પણ તંત્રને રખડતા ઢોર મામલે આકરી ટકોર કરી હતી. પરંતુ તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાના વિપક્ષ સતત આક્ષેપ કરી રહ્યું છે. દરમિયાન શહેરના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નરોડા વિસ્તારમાં ભાવિન નામનો યુવાન મોટરસાઈકલ ઉપર પસાર થતો હતો. દરમિયાન રખડતા ઢોરે મોટરસાઈકલને અડફેટે લીધી હતી. જેથી બાઈક પર સવાર યુવાન નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો હતો. યુવાનને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થયાનું સામે આવ્યું હતું. દરમિયાન યુવાનનું મોત થયાનું જાણવા મળે છે.
રખડતા ઢોરના કારણે સર્જાયેલી આ દૂર્ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે, તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. શહેરમાં રખડતા ઢોર સામે મહાપાલિકા લાચાર હોવાનું પણ સામે આવ્યું છે. હાઇકોર્ટની અનેક ફટકાર બાદ પણ AMC ઘોર નિંદ્રામાં છે. રસ્તે રખડતાં પશુઓને પાંજરે પૂરવાની કામગીરી ફક્ત કાગળ પર છે.