1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરખેજ અને વેજલપુર વચ્ચે આવેલા પાંચા તળાવની દીવાલ એક કરોડના ખર્ચે બનાવાશે
સરખેજ અને વેજલપુર વચ્ચે આવેલા પાંચા તળાવની દીવાલ એક કરોડના ખર્ચે બનાવાશે

સરખેજ અને વેજલપુર વચ્ચે આવેલા પાંચા તળાવની દીવાલ એક કરોડના ખર્ચે બનાવાશે

0
Social Share

અમદાવાદઃ શહેરના વેજલપુર અને સરખેજ  વચ્ચે આવેલાં પાંચા તળાવની દીવાલ  ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદને લીધે તૂટી જતાં ભારે ખાનાખરાબી સર્જાઇ હતી, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાંચા તળાવની દીવાલ સહિત ત્રણ જગ્યાએ રિપેરીંગ માટે એક કરોડનો જંગી ખર્ચ કરવામાં આવશે.

સરખેજ અને વેજલપુર વચ્ચે આવેલાં પાંચા તળાવમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇનો નાખવામાં આવેલી છે. પરંતુ તળાવ ઓવરફ્લો થાય તો તેમાંથી વધારાના વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. તેના કારણે ગત ચોમાસામાં જુલાઇ મહિનામાં ભારે વરસાદ પડતાં પાંચા તળાવમાં વરસાદી પાણીની ભરપૂર આવક થઇ હતી અને તળાવ ઓવરફ્લો થયુ હતું. ગત જુલાઇ મહિનામાં પાંચા તળાવની દીવાલ તૂટી પડી તે પછી આજદિન સુધી તેને ફરી બનાવવા મ્યુનિ. તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને ફક્ત પતરાની આડશો લગાવી દેવામાં આવી હતી. દરમિયાનમાં સ્થાનિક રહીશોએ આગામી ચોમાસામાં પણ ભારે વરસાદ પડે ત્યારે તળાવ ઓવરફલો થવાની અને વરસાદી પાણી ભોંયરામાં અને મકાનોમાં ઘૂસી જવાની દહેશત ચૂંટાયેલાં પ્રતિનિધિઓ સમક્ષ વ્યકત કરાતાં સ્ટે.કમિટીમાં તેની નોંધ લેવાઇ હતી અને સ્ટે. કમિટી ચેરમેને તંત્રને આગામી ચોમાસા પહેલાં દીવાલ બનાવવા તાકીદ કરી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદના મ્યુનિ. ઇજનેર ખાતાએ પાંચા તળાવ ફરતે નવી દીવાલ બનાવવાની દરખાસ્ત સાથે સાથે એલ.જે. કોલેજ પાસે આવેલાં ઓકાફ તળાવના આઉટફોલ સ્ટ્રક્ચર તેમજ ટીપી 85 રોડ ઉપર કેનાલથી સાબરમતી નદીમાં જતી વરસાદી પાણીની પાઇપલાઇનના આઉટલફોલ સ્ટ્રક્ચરના નવીનીકરણનું કામ પણ જોડી દીધુ હતુ અને ટેન્ડર બહાર પાડતાં આશ્ચર્યજનક રીતે કોઇ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યુ નહોતુ. ઇજનેર ખાતાએ બીજી વાર ટેન્ડર બહાર પાડતાં એક કોન્ટ્રાક્ટરે મ્યુનિ.ના અંદાજથી  8.99  ટકા ઊંચા ભાવનુ  1.06  કરોડનુ ટેન્ડર ભર્યુ છે, જે તંત્ર દ્વારા બહાલ રાખીને વોટર સપ્લાય કમિટી સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code