1. Home
  2. ગુજરાતી
  3. અપરિપક્વ અને નબળા નેતૃત્વને કારણે વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૪)
અપરિપક્વ અને નબળા નેતૃત્વને કારણે વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૪)

અપરિપક્વ અને નબળા નેતૃત્વને કારણે વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૪)

0
Social Share

(સુરેશભાઈ ગાંધી)

– ૧૯૯૮માં મમતા બેનરજીએ કોંગ્રેસ છોડી તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી.
– ૨૦૧૧માં આંધ્રના મુખ્યમંત્રીના પુત્ર જગનમોહન રેડ્ડીએ કોંગ્રેસ છોડી YSR કોંગ્રેસની સ્થાપના કરી.
– કોંગ્રેસી ધારાસભ્ય હિમંત બિશ્વ સરમાએ કોંગ્રેસ છોડી આસામના મુખ્યમંત્રી બન્યા.
– ૨૦૧૪ પછી સાત કોંગ્રેસી પૂર્વમુખ્યમંત્રીઓએ કોંગ્રેસ છોડી.
– ૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં જુદા જુદા પ્રદેશોના ૧૭૦ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી.
– આમ થવાથી પાંચ રાજ્યોની કોંગ્રેસી સરકારો ગબડી પડી.
– છેલ્લાં ચાર વર્ષમાં ૧૬થી વધુ પ્રદેશોના ૨૦થી વધુ દિગ્ગજો કોંગ્રેસ છોડી ગયા.
– માત્ર એક જ વર્ષમાં રાહુલ ગાંધીની કોર ટીમના નવ સભ્યો કોંગ્રેસ છોડી ગયા.
– કોંગ્રેસના ધરખમ નેતાઓએ રાહુલને નબળા નેતા ગણાવ્યા.
– પ્રસિદ્ધ ઇતિહાસકાર રામચંદ્ર ગુહા બોલ્યા કે રાહુલનું કોઈ ભવિષ્ય નથી.
– અમેરિકાના પૂર્વપ્રમુખ ઓબામાને રાહુલ ગાંધી તૈયારી વગરના વિદ્યાર્થી જેવા લાગ્યા હતા.
– કોંગ્રેસના ઉચ્ચકક્ષાના ૨૩ નેતાઓ (G23) કોંગ્રેસથી સખત નારાજ થઈ નિષ્ક્રિય બન્યા.

રાજીવ ગાંધીના દુઃખદ અવસાન બાદ સોનિયાજીની વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા રાષ્ટપતિ અબ્દુલ કલામના હસ્તક્ષેપને કારણે પૂરી થઈ નહીં. તે પછી પુત્ર રાહુલને કોંગ્રેસની કમાન સંભાળવા માટે તૈયાર કરવામાં આવ્યા, પરંતુ સોનિયાજી-રાહુલજીની રાજકીય અપરિપક્વતાને કારણે એક પછી એક અનેક નેતાઓ કોંગ્રેસ છોડવા લાગ્યા.

પ્રારંભમાં આ લેખમાં આપણે એવા ત્રણ નેતાઓની વાત કરીશું જેઓ પોતાના પ્રદેશની રાજનીતિમાં પ્રભાવશાળી હતા, છતાં સોનિયાજી-રાહુલજીએ તેમની સાથે કરેલા તોછડા વ્યવહારને કારણે આ ત્રણેય નેતાઓ કોંગ્રેસ છોડી ગયા અને તેઓ જે પક્ષમાં જોડાયા તે પ્રદેશના તેઓ મુખ્યમંત્રી પણ બની ગયા.

૧૯૯૮માં મમતા બેનરજીએ કોંગ્રેસ છોડી તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી

તેમાં પ્રથમ નામ છે મમતા બેનર્જીનું. ૧૯૭૦માં કોંગ્રેસમાં જોડાયેલી આ ઊર્જાવાન મહિલાએ ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં સામ્યવાદી પક્ષના પ્રખર નેતા સોમનાથ ચેટરજીને હરાવી જાધવપુર બેઠકમાં વિજયી બની ડંકો વગાડી દીધેલો. ૧૯૮૪માં તેઓ ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ-આઈનાં મહામંત્રી બન્યાં. ૧૯૯૨માં બંગાળના મુખ્યમંત્રી જ્યોતિબસુની સરકાર સામે બંગાળ સરકારના સચિવાલય રાઈટર્સ બિલ્ડિંગમાં ઘૂસી આંદોલન કરનાર મમતાને સુરક્ષા કર્મીઓએ જ્યારે ધક્કા મારી બિલ્ડિંગની બહાર ફેંકી દીધેલાં ત્યારે મમતા જુસ્સાભેર બોલેલાં કે, હવે હું ફરી રાઇટર્સ બિલ્ડિંગમાં આવીશ ત્યારે ચીફ મિનિસ્ટર બનીને જ આવી. (I will enter the writer’s building again only as the chief miniter) આવું કહેનાર બંગાળની વાઘણ તરીકે ઓળખાતાં આ મહિલા પ. બંગાળનાં મુખ્યમંત્રી તો બન્યાં પણ કોંગ્રેસ પક્ષનાં નહીં, પણ કોંગ્રેસમાંથી હડસેલાઈ ગયા બાદ પોતે સ્થાપેલી તૃણમૂલ કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી બન્યાં. મમતાને પ. બંગાળ કોંગ્રેસના પ્રમુખ સોમનાથ મિત્રા સાથે મતભેદો ઊભા થયા બાદ આખો મામલો સોનિયાજી પાસે ગયો પણ સોનિયા ગાંધી મમતાના આ જનૂનને સમજી ન શક્યાં, પરિણામે મમતાએ મુકુલ રોય જેવા અનેક નેતાઓ સાથે કોંગ્રેસ છોડી ૧ જાન્યુઆરી, ૧૯૯૮માં તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી અને તે બાદ તેઓ ત્યાંનાં મુખ્યમંત્રી બન્યાં. આજે મમતા રાજ કરે છે, જ્યારે કોંગ્રેસ એક ખૂણામાં હડસેલાઈ ગઈ છે.

૨૦૧૧માં આંધ્રના મુખ્યમંત્રીના પુત્ર જગનમોહન રેડ્ડીએ કોંગ્રેસ છોડી YSR કોંગ્રેસની સ્થાપના કરી

આવું બીજું નામ છે આંધ્રપ્રદેશના જગનમોહન રેડ્ડીનું. જગનમોહન આંધ્રપ્રદેશના કોંગ્રેસી મુખ્યમંત્રી રાજશેખર રેડ્ડીના પુત્ર છે. રાજશેખર રેડ્ડી આંધ્રપ્રદેશના ખૂબ લોકપ્રિય મુખ્યમંત્રી તરીકેની છાપ ધરાવતા હતા. દુર્ભાગ્યે ૨૦૦૯માં એક હેલિકોપ્ટર અકસ્માતમાં તેમનું અવસાન થયું. રાજશેખર રેડ્ડી પ્રજામાં એટલા લોકપ્રિય હતા કે, તેમના અવસાનથી હતપ્રભ થયેલા મીડિયા અનુસાર ૧૨૨ લોકો કાં તો આઘાતથી મૃત્યુ પામ્યા હતા અથવા કેટલાંકે આત્મહત્યા કરી હતી. રાજશેખર રેડ્ડીના અવસાન બાદ રાજશેખરના પત્ની વિજયમ્મા તથા તેમના પુત્ર જગનમોહન કે જેઓ કોંગ્રેસનાં સાંસદ પણ હતાં, તેઓ ખાલી પડેલા મુખ્યમંત્રી પદ અંગે ચર્ચા કરવા દિલ્હી સોનિયાજી તથા રાહુલજીની મુલાકાતે ગયાં, પણ સોનિયા-રાહુલની જોડીએ રાજશેખરના પુત્ર જગનમોહન અને વિજયમ્માની વાત સાવ અણઘડ રીતે નકારી કાઢી, પરિણામે જગનમોહને કોંગ્રેસ છોડી અને ૨૦૧૧માં વાય.એસ.આર. કોંગ્રેસની સ્થાપના કરી. ત્યારબાદ ૨૦૧૯માં યોજાયેલી આંધ્રપ્રદેશની ચૂંટણીમાં ૧૭૫માંથી ૧૫૧ બેઠકો સાથે ધરખમ જીત મેળવી જગનમોહન આંધ્રના મુખ્યમંત્રી બન્યા અને કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ.

હિમંત બિશ્વ સરમાએ કોંગ્રેસ છોડી

આવું ત્રીજું નામ છે આસામના કોંગ્રેસી આગેવાન અને ધારાસભ્ય હિમંત બિસ્વા સરમાનું. હિમંત કોંગ્રેસના, કર્મઠ કાર્યકર્તા અને જાગૃત ધારાસભ્ય. સમસ્યાગ્રસ્ત આસામમાં થનારી ચૂંટણી બાબતે ગંભીર ચર્ચા કરવા માટે તરુણ ગોગોઈ અને હિમંત બન્ને દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને મળ્યા. તરુણ ગોગોઈ અને હિમંત બન્ને ગંભીરપણે ચર્ચા કરતા હતા પણ રાહુલ ગાંધી ચર્ચા દરમિયાન તેમના પ્રિય ડોગ પીડ્ડી સાથે રમવામાં વધારે ધ્યાન આપતા હતા. એકવાર તો તેમના પીડ્ડીએ ટેબલ પર મૂકેલા નાસ્તાની પ્લેટમાંથી એક બિસ્કૂટ પણ લઈ લીધું, પણ રાહુલજીએ બીજી પ્લેટ મંગાવી નહીં. બિચારા તરુણ ગોગોઈને શરમના માર્યા આ જ પ્લેટમાંથી બિસ્કૂટ ખાવું પડ્યું. સમગ્ર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી એટલા બધા અગંભીર દેખાયા કે હિમંત બિસ્વા સરમાએ ત્યા ંજ નક્કી કરી લીધું કે રાહુલજીના નેતૃત્વ હેઠળ આસામની ચૂંટણી જીતી શકાશે નહી. આખરે હિમંત સરમાએ કોંગ્રેસ છોડી, ભાજપામાં જોડાયા, ચૂંટણી જીત્યા અને આસામના મુખ્યમંત્રી પણ બન્યા.

૨૦૧૪ પછી સાત કોંગ્રેસી પૂર્વમુખ્યમંત્રીઓએ કોંગ્રેસ છોડી

૨૦૧૪ પછી તો કોંગ્રેસના અને અન્ય પક્ષોના પૂર્વ મુખ્યમંત્રીઓ પણ પોતાના પક્ષો છોડી ભાજપામાં જોડાવા લાગ્યા. સાત કોંગ્રેસી પૂર્વ મુખ્યમંત્રીઓએ કોંગ્રેસ છોડી જેવા કે આંધ્રના કિરણ રેડ્ડી, પંજાબના કેપ્ટન અમરેન્દ્રસિંહ, કર્ણાટકના એસ.એમ. કૃષ્ણા, ગોવાના દિગંબર કામત, ઉત્તરાખંડના વિજય બહુગુણા તથા એન.ડી. તિવારી અને અરુણાચલના પેમા ખાંડુ. ૨૦૨૨માં મણિપુરના બિરેનસિંહ, નાગાલેન્ડના નેફ્યુ રિયો અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા જેવા મુખ્યમંત્રીઓ ભાજપામાં જોડાયા.

૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં જુદા જુદા પ્રદેશોના ૧૭૦ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી

૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં અલગ અલગ પ્રદેશોના ૧૭૦ જેટલા વિધાયકોએ કોંગ્રેસ છોડી. આમ થવાથી મધ્યપ્રદેશ, ગોવા, અરુણાચલ, મણિપુર અને કર્ણાટક જેવાં પાંચ રાજ્યોની કોંગ્રેસ સરકારો પડી ભાંગી. ૨૦૧૪માં તો લોકસભામાં કોંગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળતાં તેનું મુખ્ય વિરોધી પક્ષ તરીકેનું સ્થાન પણ છીનવાઈ ગયું અને ૨૦૧૯માં રાહુલ ગાંધી પોતે અમેઠીની ચૂંટણી હારી ગયા.

છેલ્લા ચાર વર્ષમાં ૧૬થી વધુ પ્રદેશોના ૨૦થી વધુ દિગ્ગજો કોંગ્રેસ છોડી ગયા

છેલ્લાં ચાર વર્ષોમાં ૧૬થી વધુ રાજ્યોના ૨૦થી વધુ દિગ્ગજો કોંગ્રેસ છોડી ગયા જેવા કે, હરિયાણાના બીરેન્દ્ર ચૌધરી, તમિલનાડુના જી.કે. વાસન તથા જયંતી નટરાજન, આંધ્રના સત્યનારાયણ તથા ડૉ. શ્રીવાસ્તવ, ઉત્તર પ્રદેશના રીટા બહુગુણા, છત્તીસગઢના અમીત જોગી, ઉત્તર પ્રદેશના બેનીપ્રસાદ શર્મા તથા જગદંબી પાલ, ઉત્તરાખંડના સતપાલ મહારાજ, ઓરિસ્સાના ગિરધર ગોમાંગ, એન.ટી. રામારાવની પુત્રી પુરન્દેશ્વરી, ગોવાના બિશ્વજીત રાણે વગેરે.

માત્ર એક જ વર્ષમાં રાહુલ ગાંધીની કોર ટીમના નવ સભ્યો કોંગ્રેસ છોડી ગયા

ધ્વસ્ત થતી કોંગ્રેસની હવેલીમાં રહેલી રાહુલ ગાંધીની કોર ટીમ પણ ધીમે ધીમે વિખરાવા લાગી. નવ દિગ્ગજો માત્ર એક જ વર્ષમાં ગાળામાં કોંગ્રેસ છોડી ગયા. રાહુલ ગાંધીની ખૂબ નજીક હતા તેવા જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, આસામના અસ્મિતા દેવ, હરિયાણાના અશોક તંવર રાયબરેલીના અદિતિસિંહ, ઉત્તર પ્રદેશના દિગ્ગજ કમલાપતિ ત્રિપાઠીના પૌત્ર લલિતેશ ત્રિપાઠી, ઉત્તર પ્રદેશના ઈમરાન મસુદ તથા પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસ છોડી અન્ય પક્ષોમાં ગયા.

એવું પણ નથી કે, કોંગ્રેસ છોડનારા બધા ભાજપામાં જ આવ્યા છે. મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા પોતાની સાથે કોંગ્રેસના ૧૭માંથી ૧૨ ધારાસભ્યો સાથે કોંગ્રેસ છોડી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા અને ગોવાના પૂર્વ મુખ્યમંત્રી ફ્લેરિયો પણ કોંગ્રેસ છોડી ૨૦૨૧માં તૃણમૂલમાં જોડાયા. તે વખતે તેઓ બોલ્યા હતા કે, કોંગ્રેસ હવે દેશના મુખ્ય વિપક્ષીદલની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહી છે.

આપણને પ્રશ્ન એ થાય છે કે ૧૩૯ વર્ષની કોંગ્રેસ ખાસ કરીને એકવીસમી સદીના પ્રારંભકાળમાં જ શા માટે વેરવિખેર થઈ રહી છે? તેનું કારણ ગોવાના ફ્લેરિયોએ બતાવ્યું છે, પરંતુ રાજકીય નિષ્ણાતો માને છે કે, નહેરુ-ગાંધી પરિવારે રાજકીય વારસાની જે નીતિ અપનાવી છે તેનાથી અપરિપક્વ અને અક્ષમ પરિવારજનોના હાથમાં રાજનીતિ આવી જવાથી કોંગ્રેસ તૂટી રહી છે.

કોંગ્રેસના ધરખમ નેતાઓએ રાહુલને નબળા નેતા ગણાવ્યા

આજે આપણે આ લેખમાં કોંગ્રેસ અને કોંગ્રેસની નજીકના રાજનેતાઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે શું કહે છે તે જોઈએ.
(૧) મનમોહન સિંહની સરકારમાં કાનૂનમંત્રી તરીકે રહી ચૂકેલા અને ત્રણવાર રાજ્યસભામાં સભ્ય તરીકે રહી ચૂકેલા પૂર્વ સોલિસિટર અશ્વિનકુમાર તા.૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ નિરાશ થઈ બોલેલા કે, કોંગ્રેસી લીડરશીપ મેં અબ દમ નહીં હૈ. કોંગ્રેસ અબ વો પાર્ટી નહીં હૈ, જો વહ પહેલેથી. આજ જિસ તરહ કોંગ્રેસ કી આંતરિક પ્રક્રિયાયેં ચલ રહી હૈ મેં અપની ગરિમા ઔર આત્મસન્માન કે અનુરૂપ અબ આગે જ્યાદા નહીં રહ સકતા. એમ કહી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું.

(૨) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ૨૦૦૯થી ૨૦૧૪ સુધી કોંગ્રેસની કેન્દ્ર સરકારમાં કાયદામંત્રી રહેલા હંસરાજ ભારદ્વાજે ટીકા કરી કે, રાહુલ ગાંધીના વ્યક્તિત્વમાં નેતાનાં લક્ષણો જ નથી. રાહુલ ગાંધીએ હજી ઘણું શીખવાનું છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે રાહુલ ગાંધી ત્યારે જ એક નેતા ગણાશે, જ્યારે લોકો તેમને નેતા તરીકે સ્વીકારશે (ગુજરાત સમાચાર ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨). ભારદ્વાજ અગાઉ કર્ણાટકના ગવર્નર પણ હતા. આ જ હંસરાજ ભારદ્વાજે એકવાર કહ્યું હતું કે, કોંગ્રેસ હવે ફરી બેઠી થઈ શકશે નહીં. લોકો હવે કોંગ્રેસને વધુ સાંભળવા તૈયાર નથી. (ગુજરાત સમાચાર, ૨૭/૩/૨૦૧૫)

(૩) એક સમયના કોંગ્રેસના કેન્દ્રીય મંત્રી સુબોધકાન્ત સહાયે રાહુલ ગાંધીને Confused નેતા કહ્યા હતા, તો એક અંગ્રેજી સમાચાર પત્ર સાથે તા. ૩૧/૮/૨૦૧૪ના રોજ વાર્તાલાપમાં દિગ્વિજયસિંહ બોલેલા કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીના મૌનને કારણે આપણે હાર્યા છીએ. એક ૬૩ વર્ષના નેતા (નરેન્દ્ર મોદી) યુવાનોને આકર્ષી શક્યા, જ્યારે ૪૪ વર્ષના નેતા રાહુલ ગાંધી આ ન કરી શક્યા તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. વળી તા. ૨૬/૬/૧૮ના રોજ દિગ્વિજયસિંહ બોલેલા કે, રાહુલનો ટેમ્પરામેન્ટ રૂલરનો નથી. તેમણે લોકસભાના વિપક્ષીનેતાની જવાબદારી લેવાની જરૂર હતી, પણ તેમણે ના પાડતાં મલ્લિકાર્જુન ખડગેને આ જવાબદારી આપવી પડી.

(૪) એક સમયના નહેરુ-ઇન્દિરા પરિવારના ખૂબ જ વિશ્વાસુ કોંગ્રેસી નેતા નટવરસિંહ ANI ને ૩૦/૯/૨૦૨૧ના રોજ કહ્યું કે ગાંધી પરિવાર કે પાસ કોઈ સલાહકાર નહીં હૈ, ઔર ઉન્હેં લગતા હૈ કિ હમ તિસમારખાં હૈ… મનમોહનસિંહ ચૂપ બૈઠે હૈ ઔર એન્ટની બીમાર હૈ. (They don’t have an adviser but think they are Tees Maar khan) નટવરસિંહે કોંગ્રેસી નેતાઓ માટે તીસમારખાં જેવા શબ્દો વાપરી દીધા તો વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને રાહુલ ગાંધીના માર્ગદર્શક જયરામ રમેશે NDTV પર તા. ૧૭/૬/૨૦૨૧ના રોજ ખુલ્લા દિલે કહ્યું કે, હમેં અપને નેતૃત્વ કો દુરસ્ત કરના હોગા.

(૫) આસામના વરિષ્ઠ વિધાયક રૂપજ્યોતિ કુર્મીએ સ્પીકર વિશ્વજીતને પોતાનું વિધાયક તરીકેનું રાજીનામું આપતાં કહ્યું કે, જો રાહુલ ગાંધી પાર્ટીના સર્વોચ્ચ સ્થાને રહેશે તો કોંગ્રેસ તેમના નેતૃત્વ હેઠળ આગળ વધી શકશે નહીં. (સમાચાર તા. ૧૮/૬/૨૦૨૧) (Rahul Gandhi is unable to shoulder leadership if he is at the helm, party wont move forward).

(૬) હવે NCPના શરદ પવાર કે જેઓએ કોંગ્રેસ છોડી છે પણ કોંગ્રેસ સાથે સરકાર રચવામાં જોડીદાર હોય છે તેવા કસાયેલા અને અનુભવી નેતા તા. ૧૦/૯/૨૦૨૧ના રોજ બોલેલા કે, કોંગ્રેસની હાલત અત્યારે એવા જમીનદાર જેવી થઈ ગઈ છે, જે પોતાની હવેલી બચાવી શક્યા નથી. તેમની હવેલીનો રખરખાવ કરવાની તાકાત પણ તેમની પાસે નથી.

લોકમત મીડિયામાં શરદ પવારનો ઇન્ટરવ્યુ લેતી વખતે પૂર્વ સાંસદ વિજય દર્ડાએ પવારને પ્રશ્ન પૂછેલો કે, ક્યા દેશ રાહુલ ગાંધી કો નેતા માનને કે લિયે તૈયાર હૈ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં શરદ પવાર બોલેલા કે, રાહુલ મેં કુછ હદ તક નિરંતરતા કી કમી હૈ.

(૭) રાહુલ ગાંધીના નેતૃત્વથી નિરાશ થયેલા ઉત્તર પ્રદેશના કોંગ્રેસના જગદીશ શર્માએ તો `પ્રિયંકા લાવો’નાં સૂત્રો સાથે દિલ્હીના અકબર રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલય પર દેખાવો પણ કર્યા હતા.

પ્રસિદ્ધ ઇતિહાસકાર રામચંદ્ર ગુહા બોલ્યા કે રાહુલનું કોઈ ભવિષ્ય નથી

હવે આપણે હિન્દુ વિચારના કટ્ટર ટીકાકાર એવા દેશના પ્રતિષ્ઠિત ઇતિહાસકાર રામચંદ્ર ગુહા રાહુલ ગાંધી વિશે શું બોલ્યા હતા તે જોઈએ. તા. ૨૪ જુલાઈ, ૨૦૨૦ના સમાચાર મુજબ રામચંદ્ર ગુહાએ કેરળ લીટરેચર ફેસ્ટીવલ દરમિયાન કહેલું કે, જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી રાહુલનું કોઈ ભવિષ્ય નથી. સોનિયાની હાલત મોગલવંશના વારસદાર જેવી થઈ ગઈ છે તેનાથી આગળ `ધ વાયર’ પત્રિકાની જર્નાલિસ્ટ અરફાખાનને જ્યારે રામચંદ્ર ગુહાનો ઇન્ટરવ્યુ લીધેલો ત્યારે ગુહા બોલેલા કે, રાહુલ ગાંધી કે બસ કી બાત નહીં હૈ કિ વો દેશ ચલાયે. ઉનકી સરકાર થી લેકિન દસ સાલ મેં વે મંત્રી નહીં બને. રાહુલ ગાંધી બસ ટવીટર પર એક્ટીવ હૈ. કોઝીકોડમાં ૧૮ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ તેઓ બોલ્યા કે, કોંગ્રેસ પાર્ટી મહાન પાર્ટી કે પદ સે હટકર એક દયનીય પરિવાર ફર્મ મેં પરિવર્તિત હો ગઈ હૈ.

  • હવે આપણે બે વિદેશીઓ રાહુલ ગાંધી વિશે શું બોલ્યા હતા તે જોઈએ.

અમેરિકાના પૂર્વપ્રમુખ ઓબામાને રાહુલ ગાંધી તૈયારી વગરના વિદ્યાર્થી જેવા લાગ્યા

અમેરિકાના પૂર્વ પ્રમુખ ઓબામા ભારત આવ્યા હતા ત્યારે રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત થઈ હતી. ન્યૂયોર્ક ટાઇમ્સે ૧૩ નવેમ્બર, ૨૦૨૦ના રોજ ઓબામાના પુસ્તક `પ્રોમિસ્ડ લેન્ડ’નો સંદર્ભ આપીને કરેલી સમીક્ષામાં ઓબામા રાહુલ ગાંધી વિશે શું બોલ્યા હતા તે જણાવ્યું છે. પોતાના ઉપરોક્ત પુસ્તકમાં રાહુલ ગાંધી વિશે ઓબામાએ લખ્યું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોઈ શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સુક હોય તેવા વિદ્યાર્થી જેવા લાગતા હતા, જેમનામાં વિષયની મહારત મેળવવા માટેની યોગ્યતા અને જનૂનની કમી દેખાતી હતી. આમ ઓબામાને રાહુલ ગાંધી બાલિશ લાગ્યા હતા.

હવે એક લોકપ્રિય અમેરિકન ગાયિકા કે જેણે ૨૪ જૂન, ૨૦૨૩ના રોજ રોનાલ્ડ રેગન બિલ્ડગ, (વોશિંગ્ટન -ડી.સી.)ના સ્ટેજ પર ભારતનું રાષ્ટગીત `જન ગણ મન ગાયું હતું’ તેણે રાહુલ ગાંધી વિશે આપેલો અભિપ્રાય જાણીએ.

રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન યોજાયેલા કાર્યક્રમોમાં ભારત દેશ વિશે તેમણે કરેલા નિમ્નકક્ષાનાં વિવાદાસ્પદ વિધાનો બાબતે મેરી મિલબને કહ્યું કે, હું વ્યક્તિગત રીતે રાહુલ ગાંધીને ઓળખતી નથી એટલે હું તેમના પર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતી, પણ મારે એટલું જ કહેવું છે કે કોઈપણ દેશ લાંબા સમય સુધી એવા નેતાને સમર્થન કરતું નથી જે લગાતાર પોતાના દેશની બાબતમાં હંમેશા નેગેટિવ વાતો કરે છે. એક સાચો નેતા પોતાના દેશની હંમેશા તારીફ કરે છે અને પોતાના દેશને જ મહત્ત્વ આપતો હોય છે. એક વિદેશી મહિલાએ પણ ભારત વિશે રાહુલે કરેલી ટીકા પ્રત્યે જાહેરમાં અણગમો વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના ઉચ્ચકક્ષાના ૨૩ નેતાઓ (G23) કોંગ્રેસથી સખત નારાજ થઈ નિષ્ક્રિય બન્યા લેખના અંતમાં કોંગ્રેસ પાર્ટીમાં થયેલા એક મોટા ભંગાણની વાત કરીએ. ૨૦૧૯માં રાહુલ ગાંધી પોતે જ અમેઠીની ચૂંટણીમાં હાર્યા તેથી તેમણે કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું. અલબત્ત રાહુલ ગાંધીની અધ્યક્ષ તરીકેની મુદત ૨૦૨૨ સુધી હતી તેમ છતાં અધવચ્ચે રાજીનામુ આપીને તેમણે પક્ષને મૂંઝવણમાં મૂકી દીધો હતો. તે વખતે સોનિયાજી ભારે બીમાર હતાં તેથી તેમને પાર્ટી અધ્યક્ષ બનાવવા યોગ્ય ન હતું તેમ છતાં બીમાર સોનિયાજીને પાર્ટી અધ્યક્ષ બનાવવાં પડ્યાં ત્યારે પરાજિત કોંગ્રેસને પુનઃ જોમવંત બનાવવા કોંગ્રેસના ૨૩ નેતાઓએ સોનિયાજીને પત્ર લખ્યો, જેમાં તેમણે પક્ષમાં સક્રિય અધ્યક્ષની માંગણી કરેલી. આ ૨૩ નેતાઓ (G23) એ કોંગ્રેસની કાર્યશૈલીમાં બદલાવ લાવવાની માંગ પણ કરેલી, જેમાં સહી કરનારાઓમાં શશી થરૂર, મનિષ તિવારી, ગુલામનબી આઝાદ, આનંદ શર્મા, ભુપેન્દ્ર હુડ્ડા, કપિલ સિબ્બલ, પૃથ્વીરાજ ચૌહાણ વગેરે હતા પણ રાહુલ ગાંધીએ તેમના પત્રમાં મુકાયેલા મુદ્દાઓને સમજવાને બદલે આ ૨૩ નેતાઓને તેમણે ભાજપાના એજન્ટ કહી અપમાનિત કરતાં ફરી એક વાર પાર્ટીમાં આંતરિક ભૂકંપ સર્જાયો હતો.

મિત્રો, કોંગ્રેસ ફરી એકવાર મોટા ભૂકંપની નજીક છે. આપ સૌ સમજદાર છો તેથી હવે ફરી મોટો ભૂકંપ કોંગ્રેસમાં ક્યારે થવાનો છે તે તારીખની કલ્પના આપ કરી શકો તેમ છો.
*
(લેખક શ્રી `સાધના’ના ટ્રસ્ટી છે.)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code