
અમદાવાદઃ ગુજરાતભરમાં આવતી કાલે શુક્રવારે પતંગોત્સવ ભારે ઓનંદોલ્લાસથી ઊજવાશે. આવતી કાલે હવામાન પતંગરસિયાઓ માટે સાનુખૂળ રહેવાની શક્યતા છે. દેશના ઉત્તરીય ભાગોમાં સતત થઈ રહેલી હિમવર્ષાના પગલે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સામાન્યથી વધુ ગતિએ ફૂંકાતા ઠંડા અને સૂકા પવનોને કારણે લઘુત્તમ તાપમાનનો પારો 10થી 12 ડિગ્રી આસપાસ રહે છે.
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આવતી કાલે તા. 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાતિ ને ઉત્તરાણ સારી રહેશે. 14 જાન્યુઆરીના રોજ પ્રતિ કલાકની 10થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાશે. પવનની આ ગતિ પતંગ ચગાવવા માટે સારી માનવામાં આવે છે. જોકે બપોરે પવનની ગતિમાં સામાન્ય ઘટાડો આવી શકે છે. હાલ ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો પણ ઠંડીનું જોર ઘટવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે ગુરૂવારે ગુજરાતમાં સૌથી વધુ કોલ્ડ સિટી નલિયા બન્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક ઠંડીનું જોર થયાવત રહેશે અને ત્યાર બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ઠંડીનું પ્રમાણ ઘટશે. ઉત્તરાયણના દિવસે ઠંડી સાથે પવનની ગતિ સારી રહેતા પતંગ રસિયાઓને મજા આવશે. હાલ પતંગરસિયા ઉત્તરાયણની તૈયારી કરી રહ્યા છે. આ સાથે પવનની ગતિ સારી રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જોકે દર વર્ષે સામાન્ય રીતે ઉત્તરાયણના બે દિવસ પહેલા પવન સારો હોય અને ઉત્તરાયણના દિવસે બપોર થતા તો પવનની ગતિ સામાન્ય થઈ જાય છે.
પવનની આ સામાન્ય ગતિના કારણે પતંગ રસિયા નારાજ થઈ જાય છે. પરંતુ ચાલુ વર્ષે હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તરાયણના દિવસે પણ પવનની ગતિ સારી રહેશે. જેન કારણે પતંગ ચગાવવા માગતા લોકોની ઉત્તરાયણ સારી જઈ શકે છે અને પતંગ રસિયાઓને મજા પડી જશે. રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડી બુધવારે પણ યથાવત રહી હતી. બુધવારે રાજ્યના વિવિધ શહેરોના તાપમાન 10થી12 ડિગ્રીની આસપાસ રહ્યા હતા. વહેલી પરોઢે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. જ્યારે બપોરે પણ તાપમાન 24થી 26 ડિગ્રી વચ્ચે રહેતા અને સાથે ઠંડા પવન ફૂંકાતા લોકો ઠુઠવાઈ ગયા હતા. રાજ્યના મોટા શહેરોના લઘુત્મ તાપમાન અંગે જોવામાં આવે તો અમદાવાદમાં 10.1 ડિગ્રી, ગાધીનગર 6.5 ડિગ્રી, વડોદરા 9.4 ડિગ્રી, રાજકોટ 9.0 ડિગ્રી, ભાવનગર 10.5 ડિગ્રી, અમેરલી 9.6 ડિગ્રી, ભૂજ 9.8 ડિગ્રી અને જૂનાગઢ 9.6 ડિગ્રી ઠંડી રહી છે.