
પ્રાંતિજની મહિલા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી આત્મનિર્ભર બની
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના ધોરણ ૧૦ પાસ મનીષાબેન પટેલ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી રોજગારી ઊભી કરી રહ્યા છે. મહિલાઓ ઘરે બેઠા નવરાશના સમયનો સદુપયોગ કરી પગભર બની શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ મનીષાબેન છે.
મનિષાબેન જણાવે છે કે, મહિલા ઘરનો મજબૂત સ્તંભ છે. તે જેટલો સશક્ત તેટલો પરીવાર સશક્ત બને છે. તેઓ ધોરણ ૧૦ પાસ છે. ઓછુ ભણેલા હોવાથી સારી નોકરી તો મળે નહીં ઉપરથી ઘર પરિવાર બાળકોની જવાબદારી હોય. ગામડામાં ખેતી અને પશુપાલન કરતા સાથે ઘરે બેઠા નાની મોટી વસ્તુઓ બનાવી છે. લગ્ન પહેલા માત્ર શોખ ખાતર સિવણ કામ શીખ્યા હતા આજે તેમાંથી આવક ઉભી થાય છે.
હાલમાં હેન્ડ પર્સ, મોબાઈલ કવર, બાળકો માટે સાદા ઘોડિયા, પાઇપ વાળા ઘોડિયા, હીંચકા, ડ્રેસ, ચણિયા-ચોળી જેવી વસ્તુઓ બનાવી વેચાણ કરૂ છું. બજાર કરતાં ઓછા ભાવ અને સારી વસ્તુઓ આપવાથી લોકો સામેથી મને ઓર્ડર આપે છે.
વધુમાં તેઓ જણાવે છે કે, બપોરના નવરાશના સમય તેઓ આ કામ કરે છે સાથે હિંમતનગર ખાતેથી અમુક દુકાનોમાંથી તેમને કપડાની બેગ બનાવવાના ઓર્ડર મળે છે. જેમાં કટીંગ-અને સિલાઈ માટે દોરા તમામ વસ્તુઓ દુકાનદાર ઉપલબ્ધ કરાવે છે. માત્ર તેમને સિલાઈ કરીને આપવાની હોય છે.
જેની મજૂરી તેમને ઘરે બેઠા જ મળે છે. મનિષાબેન આ કામ થકી મહિને ઘરે બેઠા સાતથી આઠ હજાર રૂપિયાની કમાણી કરે છે. નવરાશના સમયમાં કરવામાં આવતા આ કામથી તેમના ઘર પરિવારની દેખ ભાળ સારી રીતે કરી શકે છે. સાથે પોતે આર્થિક રીતે પગભર બની શકે છે. પોતાને પૈસા માટે બીજા સામે હાથ લંબાવવો પડતો નથી.