સુરેન્દ્રનગર, 6 મે 2026: The world’s smallest fennec fox was spotted near Vachchhraj Bet કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ નજીક વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું દુર્લભ શિયાળ જોવા મળ્યું છે. ફોરેસ્ટ વિભાગની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે આ પ્રાણી કેમેરામાં કેદ થયું હતું. પ્રાથમિક તપાસ અને શારીરિક લાક્ષણિકતાઓના આધારે વન વિભાગે આ શિયાળ ‘ફેનેક’ પ્રજાતિનું હોવાની શક્યતા વ્યક્ત કરી છે.
વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ, કચ્છના નાના રણ તરીકે ઓળખતા વચ્છરાજ બેટ નજીક વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું દુર્લભ શિયાળ જોવા મળ્યું છે. આ શિયાળ સામાન્ય શિયાળ કરતા કદમાં ઘણું નાનું હોય છે. તેનું વજન આશરે 1 કિલો અને લંબાઈ માત્ર 1 ફૂટ જેટલી હોય છે. તેનો રંગ આછો પીળો કે બદામી હોય છે, જે તેને રણની રેતીમાં છુપાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રજાતિ ઊંડા ખાડા ખોદીને જમીનમાં વસવાટ કરવા માટે જાણીતી છે. ખોરાકમાં તે ઉંદર, નાના પક્ષીઓ, ઈંડા, ગરોળી અને નાના જંતુઓનો ઉપયોગ કરે છે.
ગુજરાતમાં ફેનેક પ્રજાતિના શિયાળ લુપ્ત થતી પ્રજાતિઓમાં સ્થાન ધરાવે છે. હાલના આંકડા મુજબ, રણ વિસ્તારમાં માત્ર 153 જેટલા જ શિયાળ નોંધાયેલા છે. સામાન્ય રીતે ગુજરાતના રણ પ્રદેશમાં ‘ડેઝર્ટ ફોક્સ’ અથવા ‘ઈન્ડિયન ફોક્સ’ જોવા મળે છે, પરંતુ ફેનેક ફોક્સ (વલ્પિઝ ઝર્ડા) મુખ્યત્વે ઉત્તર આફ્રિકાના સહારાના રણમાં જોવા મળે છે. જો તપાસમાં આ શિયાળ ખરેખર ફેનેક પ્રજાતિનું સાબિત થશે, તો વન્યજીવ સૃષ્ટિ માટે આ એક અસાધારણ અને ઐતિહાસિક ઘટના ગણાશે.
ઘુડખર અભયારણ્યના વન અધિકારીના કહેવા મુજબ “વચ્છરાજ બેટના પાછળના ભાગમાં પેટ્રોલિંગ દરમિયાન આ નાનું શિયાળ નજરે પડ્યું હતું. તેના કદ, વજન અને રહેવાની પદ્ધતિ જોતા તે ફેનેક હોવાની સંભાવના છે. આ પ્રજાતિ ગુજરાતમાં અત્યંત દુર્લભ છે, તેથી આ દિશામાં હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. કચ્છનું નાનું રણ ઘુડખર સિવાય અનેક વિદેશી પક્ષીઓ અને દુર્લભ વન્યજીવોનું કુદરતી આશ્રયસ્થાન છે. આ નવા મહેમાનના આગમનથી પર્યાવરણવિદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

