1. Home
  2. ગુજરાતી
  3. બિહારમાં તસ્કરોનો તરખાટઃ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી લોખંડનો આખો પુલ તોડી ચોરી ગયા
બિહારમાં તસ્કરોનો તરખાટઃ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી લોખંડનો આખો પુલ તોડી ચોરી ગયા

બિહારમાં તસ્કરોનો તરખાટઃ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી લોખંડનો આખો પુલ તોડી ચોરી ગયા

0
Social Share

પટનાઃ બિહારના રોહતાસ જિલ્લાના સાસારામમાં ધોળા દિવસે લોખંડના પુલની ચોરીનો મામલો સામે આવ્યો છે. સિંચાઈ વિભાગના કર્મચારીની ઓખળ આપીને ચોરો ગામમાં આવ્યા હતા અને જેસીબી વડે પુલ તોડ્યો હતો. ત્યારબાદ ગેસ કટર વડે કટિંગ કર્યા પછી ટ્રક પર લોખંડ લોડ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસ સમગ્ર ઘટના અંગે અજાણ હતી અંતે 3 દિવસ બાદ પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી લેવા કવાયત આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ 47 વર્ષ જૂનો આ પુલ જિલ્લાના નસરીગંજ બ્લોકના અમિયાવર સ્થિત આરા મુખ્ય નહેર પર બનાવવામાં આવ્યો હતો. આ પુલ 100 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો હતો. ચર્ચા અનુસાર બ્રિજમાં 500 ટન લોખંડ હતું. ચોરો પુલ તોડી રહ્યા હતા ત્યારે ગ્રામજનોએ પ્રશ્ન કર્યો હતો. આ અંગે ચોરોએ જણાવ્યું કે તેઓ સિંચાઈ વિભાગના કર્મચારી છે, પુલ જર્જરિત થઈ ગયો છે અને તેથી તે તૂટી જશે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ચોરોએ પહેલા જેસીબી વડે પુલ તોડ્યો હતો. ત્યારબાદ તેને કટર વડે કાપીને ટ્રકમાં ચડાવી ફરાર થઈ ગયા હતા. આ પછી ગ્રામજનોએ સિંચાઈ વિભાગ સાથે વાત કરી તો મામલો સામે આવ્યો હતો. માહિતી મળતા જ સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને મામલામાં એફઆઈઆર નોંધાવી હતી. આ પુલ 1972 થી 1975 ની વચ્ચે બનાવવામાં આવ્યો હતો. આ પુલને આંશિક નુકસાન થયા બાદ બીજો પુલ બનાવવામાં આવ્યો હતો. જૂનો લોખંડનો પુલ હવે ઉપયોગમાં ન હતો. આ કારણોસર પણ લોકોને લાગ્યું કે, વિભાગ તેને હટાવી રહ્યું છે.

આ મામલે નસરીગંજ પોલીસ સ્ટેશને જણાવ્યું કે, સિંચાઈ વિભાગના જુનિયર એન્જિનિયરે અજાણ્યા ચોરો વિરુદ્ધ FIR નોંધાવી છે. મામલાની તપાસ ચાલી રહી છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સિંચાઈ વિભાગના વિક્રમગંજ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ એન્જિનિયર રાધેશ્યામ સિંહે જણાવ્યું કે, ગામના આગેવાને પુલને હટાવવા માટે અરજી કરી હતી. તે ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ સૂચના મળી નથી. દરમિયાન ચોરો આખો પુલ ચોરી ગયાની ઘટના સામે આવી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code