
અમદાવાદ મ્યુનિ.ની અંગ્રેજી માધ્યમની 36 શાળાઓમાં કાયમી શિક્ષકો જ નથીઃ કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મ્યુનિ. શાળાઓની સુવિદામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્માર્ટસ્કુલનો કન્સેપ્ટ દાખલ કરાયા બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. મ્યુનિની અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. ધોરણ 1થી 5ની 54 શાળાઓમાંથી 36 શાળાઓમાં કાયમી શિક્ષકો જ નથી, તેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. માત્ર અંગ્રેજી માધ્યમાં જ નહીં અન્ય માધ્યમોમાં પણ શિક્ષકોની અછત છે. તેથી કાયમી શિક્ષકોની સત્વરે ભરતી કરવી જોઈએ. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સ્કૂલોનું શિક્ષણ કથળી રહ્યું છે. શાળાઓમાં શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઇ રહીં હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મ્યુનિ. કોર્પોરેશને જશ લેવા માટે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરી દીધી, પણ ધો.1થી5ની 54 શાળામાંથી 36 શાળામાં એક પણ કાયમી શિક્ષક નથી. મ્યુનિ.શાળાઓમાં અંગ્રેજી માધ્યમના 8 હજાર અને હિંદી માધ્યમના 17 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલમાં 8088 વિદ્યાર્થી વચ્ચે માત્ર 39 કાયમી શિક્ષક છે. અંગ્રેજી માધ્યમના 255ના મહેકમ સામે 216 શિક્ષકોની ઘટ છે.આવી જ રીતે હિન્દી માધ્યમમાં કાયમી શિક્ષકોની મોટી ઘટ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિની શાળાઓમાં કાયમી શિક્ષકો ન હોવાથી પ્રવાસી શિક્ષકોના ભરોસે બાળકો છે. હિન્દી માધ્યમમાં ધો. 1થી5માં 54 સ્કૂલ છે, જેમાં 16,964 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 247 શિક્ષક છે,459 શિક્ષકના મહેકમ સામે માત્ર 247 શિક્ષકોથી શાળા ચાલે છે. એટલું જ નહીં, હિન્દી માધ્યમની 4 શાળાઓમાં એકપણ કાયમી શિક્ષક નથી.