- બે વર્ષથી શાળાઓમાં નોંધપોથી, હાજરીપત્રક પહોંચ્યા નથી : વિપક્ષ નેતા
- શાળામાં મેદાન અને પીટી શિક્ષકોના અભાવે બાળકો રમત-ગમતની પ્રવૃતિથી વંચિત,
- વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ માટે રૂપિયા 90 લાખની ગ્રાન્ટ, પણ મેદાન જ નથી
ગાંધીનગરઃ જિલ્લા પંચાયત હસ્તકની 103 જેટલી પ્રથામિક શાળાઓમાં રમત-ગમત માટેનું મેદાન જ નથી. તેમજ વ્યાયમ શિક્ષકો પણ નથી, તેના લીધે વિદ્યાર્થીઓમાં રહેલી રમત ગમતની સુષુપ્ત શક્તિઓ ઉજાગર થતી નથી. શાળાના મેદાન માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં નહીં આવતા ખેલ મહાકુંભની ઉજવણીનો હેતુ સિદ્ધ થતો નથી. આ ઉપરાંત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા બે વર્ષથી નોંધપોથી, હાજરીપત્રક પહોંચ્યા નહીં હોવાનો આક્ષેપ વિપક્ષના નેતાએ કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં રહેલી રમત ગમતની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવામાં આવી રહી છે. પરંતુ તેની વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાની 533 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 103 શાળાઓ પાસે મેદાન જ નથી. વધુમાં મેદાન નહી હોવા છતાં વિદ્યાર્થીઓની રમત ગમતની શક્તિઓને ઉજાગર કરવા માટે વૈકલ્પિક મેદાનની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. વધુમાં રમત ગમતના મેદાનના અભાવની વચ્ચે પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકો નહીં હોવાથી વિદ્યાર્થીઓમાં રહેલી રમત ગમતની શક્તિઓ કુંઠિત થઇ રહી છે.
જિલ્લામાં સરકારી શાળાની વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ આપવા માટે રૂપિયા 90 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ મેદાનના અભાવે સ્વરક્ષણની તાલીમ વિદ્યાર્થિનીઓને મળી શકતી નથી. તેવો આક્ષેપ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અજીતસિંહ રાઠોડે સામાન્ય સભામાં કર્યો હતો. જોકે વિપક્ષના નેતાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કેટલા વ્યાયામ શિક્ષકોની ભરતી કરાઇ છે. તેમાંથી કેટલી ભરેલી અને કેટલી ખાલી જેવી માહિતી પણ સંપુર્ણ આપવામાં આવી નહીં હોવાનો વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો. વધુમાં સરકારી પ્રાથમિક શાળાની વહિવટી કામગીરીની સરળતા માટે સ્ટેશનરી સમગ્ર શિક્ષા અભિયાન અને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આપવામાં આવે છે.