Site icon Revoi.in

ભાવનગરના સિહોર તાલુકામાં સિંચાઈની સુવિધા નથી, ભૂગર્ભ જળ ઊંડા ઉતર્યા

Social Share

ભાવનગરઃ જિલ્લાના સિહોર તાલુકામાં સિંચાઈ માટેની કોઈ સુવિધા નથી. તાલુકાને હજુ નર્મદા યોજનાનો લાભ મળ્યો નથી. તાલુકામાં સબળ નેતાગીરીના અભાવે વિકાસમાં સિહોર તાલુકો સૌથી પાછળ છે. તાલુકાના તમામ તળાવો સુકાઈ ગયા છે. તેના લીધે પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે. તાલુકાના એકપણ ગામડામાં સિંચાઇની સુવિધા નથી આથી તાલુકો વરસાદ આધારિત ખેતી પર જ મોટાભાગે નિર્ભર છે

ઉનાળાના કપરા દિવસો ચાલે છે આ દિવસોમાં વધતી જતી ગરમીના પારાની સાથે–સાથે બેરોજગારી ન વધે એનું પણ લોકોએ ખાસ ધ્યાન રાખવું પડે છે. સિહોર પંથકમાં ગયા વરસે સાવ ઓછો કહી શકાય એટલો વરસાદ પડ્યો હતો. અને એની અસર આ વરસે દેખાવા લાગી છે. તાલુકામાં સિંચાઇની એકપણ સુવિધા નથી.ભૂગર્ભ જળસ્તર પણ ઊંડા ઉતરી જતા સિહોર પંથકમાં ધરતીપુત્રોની માઠી દશા બેઠી છે. ચોમાસુ આવે તે પહેલાં પાણી પહેલા પાળ બાંધી જોઇએ એ ઊક્તિ અનુસાર ચેકડેમોની મરામત કરવી જોઇએ. આ વરસે તો ચોમાસું પાક માંડ-માંડ પાક્યો ત્યાં શિયાળું અને ઉનાળું પાકની તો વાત જ શી કરવી ? સિહોર તાલુકાના લગભગ એકપણ ગામડામાં સિંચાઇની સુવિધા નથી. આથી સિહોર તાલુકો વરસાદ આધારિત ખેતી પર જ મોટાભાગે નિર્ભર છે.

સિહોર પંથકમાં દસથી બાર તળાવો ચેકડેમો પણ તળીયા ઝાટક છે. જેમાં સિહોરમાં ગૌતમેશ્વર તળાવ, ટાણાના ભાંખલ ગામે, વરલ અને ભાંખલની સીમ વચ્ચે, થોરાળી ગામે સુરકાનું તળાવ, આંબલાનું તળાવ, પાંચ તલાવડાનું તળાવ, સાંઢિડા મહાદેવ મંદિર નજીક આવેલું તળાવ,ખોડિયાર મંદિરનું તળાવ આવેલા છે. ઉપરાંત ગ્રામ્ય પંથકમાં જે-જે ગામમાં નદીઓ આવેલી છે. તે નદીઓ પૈકી કેટલીક નદીઓ પર ચેકડેમો આવેલા છે પણ હાલમાં સુકાવા લાગ્યા છે.