Site icon Revoi.in

કચ્છના અફાટ રણમાં ગુમ થયેલા ઈજનેર યુવાનનો ત્રણ દિવસથી કોઈ પત્તો નથી

Social Share

ભૂજઃ કચ્છના રાપર તાલુકાના બેલા મૌઆણા નજીક આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તારમાં સોલાર માટેના સર્વે કરવા ગયેલા એક ઈજનેર સહિત ત્રણ યુવાનો અફાટ રણમાં ભૂલા પડ્યા હતા. દરમિયાન બે યુવાનોની ભાળ મળી હતી પણ ઈજનેર યુવાન હજુ પણ લાપત્તા છે. અને તેને શોધવા માટે બીએસએફ અને પોલીસ દ્વારા ડ્રોન કેમેરા સાથે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તારમાં માર્ગ નિર્માણ માટે સર્વેની કામગીરી ચાલી રહી છે. દરમિયાન અહીં કામ કરતો ઈજનેર ગુમ થયો છે. જેની શોધખોળ આજે ત્રીજા દિવસે પણ યથાવત છે. બીએસએફ અને પોલીસ દ્વારા ડ્રોન કેમેરા સહિતના સાધનોની મદદથી વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ગત 6 એપ્રિલે આ ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે ખાનગી કંપનીના ત્રણ કામદારો રણ વિસ્તારમાં સર્વે માટે ગયા હતા. આ દરમિયાન બે કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ ઈજનેર અર્નબ પાલ નામના એન્જિનિયરનો હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તારમાં સર્વે માટે ત્રણ વ્યક્તિઓ રણમાં ગયા હતા. કાળઝાળ ગરમી અને પાણીની અછતને કારણે બે કર્મચારીઓ થાકી ગયા હતા. એક સર્વેયર રણમાં બેસી ગયો હતો અને ઈજનેર અર્નબ પાલને ગાડી લાવવા મોકલ્યા હતા. પરંતુ ત્યારબાદ ઈજનેર પાછા ન ફરતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. બાલાસર ખડીર પોલીસ અને બીએસએફના જવાનો રાતથી જ કાર્યરત છે. બીએસએફના 7 વાહનો અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાત્રે ઈજનેરના મોબાઈલની લાઈટની આશાએ તપાસ કરાઈ, પરંતુ કોઈ સફળતા મળી નથી. રણ વિસ્તારમાં આકરા તાપ અને પાણીની અછતને કારણે બે કામદારો થાકી ગયા હતા. તેઓ પાછા ફરતા હતા, ત્યારે એક સર્વેયર રણમાં જ બેસી ગયો હતો અને ઈજનેરને ગાડી લાવવા મોકલ્યો હતો. પરંતુ ગાડી લાવવા ગયેલો ઈજનેર અર્નબ પાલ ગુમ થઈ ગયો હતો.

પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા અને ખડીર પીઆઈ એમ.એન.દવેના નેતૃત્વમાં શોધખોળ ચાલી રહી છે. વન વિભાગ, બીએસએફ અને સ્થાનિક મળીને 100થી વધુ લોકો આકરા તાપ અને વિકટ પરિસ્થિતિઓ વચ્ચે શોધખોળમાં જોડાયા છે. સ્થાનિક જાણકારોની મદદથી રણ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.