દાદી-નાનીના આ 4 નુસ્ખા પાછળ છુપાયેલું છે અસલી સાયન્સ, વાળ અને ત્વચા માટે છે વરદાન
આજના ડિજિટલ યુગમાં ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર દેશી અને ઘરેલું નુસ્ખાઓના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કોઈ વાળમાં સ્પ્રે કરતું જોવા મળે છે, તો કોઈ નાભિમાં તેલ લગાવીને ત્વચા ચમકાવવાના દાવા કરે છે. ઉપરછલ્લી રીતે જોતા આ ટ્રેન્ડ્સ માત્ર વીડિયો પૂરતા મર્યાદિત લાગે, પરંતુ હકીકતમાં આ એ જ નુસ્ખાઓ છે જે આપણી દાદી-નાની વર્ષોથી અજમાવતી આવી છે. રસપ્રદ વાત એ છે કે આ પરંપરાગત રીતો પાછળ ચોક્કસ વિજ્ઞાન છુપાયેલું છે અને આ જ કારણે મોટી બ્યુટી કંપનીઓ પણ હવે તેમના પ્રોડક્ટ્સમાં આ કુદરતી વસ્તુઓનો સમાવેશ કરી રહી છે. આવો જાણીએ આવા જ ૫ લોકપ્રિય બ્યુટી ટ્રેન્ડ્સ વિશે, જે દેખાવમાં ભલે અજીબ લાગે પણ તેનું પરિણામ સો ટકા અકસીર સાબિત થાય છે.
વાળ માટે લવિંગનું પાણી
પાતળા, નબળા અને બેજાન વાળને કાળા-ઘટ્ટ બનાવવા માટે લવિંગનું પાણી રામબાણ ઈલાજ છે. લવિંગને પાણીમાં ઉકાળીને તે પાણીનો વાળમાં સ્પ્રે કરવો કદાચ અજીબ લાગી શકે, પરંતુ તેનાથી અદભુત પરિણામો મળે છે. લવિંગમાં ‘યુજેનોલ’ નામનું શક્તિશાળી બાયોએક્ટિવ કમ્પાઉન્ડ જોવા મળે છે. તે સ્કાલ્પ (માથાની ત્વચા) પર ખોડો પેદા કરનારી ‘મેલાસેઝિયા’ નામની ફૂગને જડમૂળમાંથી ખતમ કરે છે. આ પાણીથી સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેથી વાળનો ગ્રોથ ખૂબ ઝડપી બને છે.
ઓઇલ પુલિંગથી ગ્લોઇંગ સ્કીન
આ એક સદીઓ જૂની આયુર્વેદિક તકનીક છે, જેનાથી નેચરલી સાફ અને ચમકતી ત્વચા મળે છે. મોંમાં નાળિયેર તેલ (કોકોનટ ઓઇલ) ભરીને તેને અંદર ફેરવવું (કોગળા કરવા) ભલે વિચિત્ર લાગે, પણ આયુર્વેદમાં તેને ‘કવલા ગ્રહ’ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું વિશેષ મહત્વ છે. મોં અને દાંતમાં રહેલા ઘણા હાનિકારક બેક્ટેરિયાની બહારની દીવાલ ફેટ એટલે કે લિપિડની બનેલી હોય છે. જ્યારે તમે મોંમાં નાળિયેર તેલ ફેરવો છો, ત્યારે આ તેલ તે બેક્ટેરિયા તરફ આકર્ષાય છે અને તેની સાથે ચોંટીને તેમને બહાર ફેંકી દે છે. આ પ્રક્રિયાથી મોંની દુર્ગંધ તો દૂર થાય જ છે, સાથે જ શરીરમાં ‘ઇન્ફ્લેમેશન’ (સોજો/બળતરા) પણ ઓછી થાય છે, જેની સીધી પોઝિટિવ અસર સ્કીન ગ્લો પર દેખાય છે.
નાભિમાં તેલ લગાવવું
એવું માનવામાં આવે છે કે રોજ રાત્રે સૂતા પહેલા નાભિ (ડૂંટી) માં લીમડાનું કે સરસવનું તેલ લગાવવાથી ત્વચાની અનેક સમસ્યાઓ દૂર થાય છે. આયુર્વેદ અનુસાર, નાભિ એ આપણા શરીરનું મુખ્ય કેન્દ્રબિંદુ છે. મોર્ડન સાયન્સ પણ હવે એ શોધી રહ્યું છે કે નાભિનો ત્વચા સાથે સીધો જોડાણ કેવી રીતે છે. આયુર્વેદ મુજબ, નાભિમાં તેલના માત્ર બે ટીપાં નાખવાથી શરીરને જરૂરી ફેટી એસિડ્સ મળે છે, નસોને આરામ મળે છે અને પાચનતંત્ર સુધરે છે. પાચનક્રિયા સારી થતાં જ ત્વચા અંદરથી ચમકવા લાગે છે.
મેકઅપ હટાવવાનો દેશી કીમિયો
રસોડામાં વપરાતા તેલને ચહેરા પર લગાવવું શરૂઆતમાં અજુગતું લાગી શકે છે, પરંતુ મોંઘા અને કેમિકલયુક્ત મેકઅપ ક્લીન્ઝર કરતાં નાળિયેર તેલ ઘણું વધારે સુરક્ષિત અને ફાયદાકારક છે. બ્યુટી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, એક્સ્ટ્રા વર્જિન કોકોનટ ઓઇલમાં રહેલા કુદરતી લિપિડ્સ, વોટરપ્રૂફ મસ્કારા અને હેવી મેકઅપને પણ ત્વચા પર સરળતાથી ઓગાળી દે છે. આના કારણે ચહેરાને બહુ ઘસ્યા વગર જ મેકઅપ સરળતાથી સાફ થઈ જાય છે અને ત્વચા ડ્રાય થતી નથી.


