- જ્વેલર્સના માલિકે બાજુના દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી,
- સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ચોરીનો બન્યો બનાવ,
- તસ્કરો કપડા અને ફૂટવેરની દુકાનમાં બાકોરું પાડીને જ્વેલર્સ દુકાનમાં ઘૂસ્યા હતા,
સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં આવેલા પર્વત પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે બે જેટલી દુકાનોની દીવાલમાં બાકોરું પાડીને તસ્કરોએ ‘ભાવના જ્વેલર્સ’માં પ્રવેશીને સોના-ચાંદીના ઘરેણાંની ચારી કરી હતી. ચોરીના આ બનાવમાં જ્વેલર્સ શોપના માલિકે બાજુની દુકાનદારો પર શંકા વ્યક્ત કરી છે. આ ઘટનાએ નાઇટ પેટ્રોલિંગ કરતી પુણા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
સુરત શહેરના પુણા વિસ્તારમાં પર્વત પાટિયા નજીક આવેલી ભાવના જ્વેલર્સમાં દીવાલમાં બાકોરૂ પાડીને તસ્કરો સોના-ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા. આ બનાવમાં જ્વેલર્સના માલિક દ્વારા બાજુની દુકાનના માલિક લાખસિંહ ઉર્ફે લક્ષ્મણસિંહ હેમસિંહ વિરુદ્ધ બે દુકાનની દીવાલમાં બાકોરું પાડીને પ્રવેશ કરી ચોરી કરવાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી દ્વારા અલગ અલગ 27 જેટલા ચાંદીના દાગીનાઓ ચોરી કરવામાં આવ્યા છે. જેની કિંમત 1.96 લાખ રૂપિયા જેટલી થાય છે. પુણા પોલીસ દ્વારા આરોપી લાખસિંહ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ બનાવમાં તસ્કરોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્વેલર્સની દુકાનમાં સીધો પ્રવેશ કરવાને બદલે, તેઓએ બાજુની દુકાનોનો સહારો લીધો હતો. ચોર શખ્સોએ સૌપ્રથમ નાગનેશી જેન્ડ્સ વેર (કપડાની દુકાન)માં પ્રવેશ કર્યો હતો. કપડાની દુકાનની દીવાલમાં બાકોરું પાડ્યું અને બાજુમાં આવેલી ફૂટવેરની (શૂઝની) દુકાનમાં પ્રવેશ કર્યો હતો. ફૂટવેરની દુકાનમાંથી પણ આશરે બેથી અઢી ફૂટ જેટલું મોટું બાકોરું પાડીને તસ્કરો જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યા હતા. ચોર જ્વેલર્સની દુકાનમાં રહેલા બાથરૂમ વાટે પ્રવેશ્યો હોવાનું જાણવા મળ્યું છે.
જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ દુકાનમાં રાખેલી તિજોરીને તોડવાનો પ્રયાસ કર્યો હતો અને દુકાનની અંદર રાખેલા સોના-ચાંદીના કીમતી ઘરેણાંની ચોરી કરી હતી. ચોરીનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી, પરંતુ તે મોટો હોવાની આશંકા છે. એક ચોર શખસ દુકાનમાં પ્રવેશ કરતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમાં તે મોઢે રૂમાલ બાંધેલો જોવા મળે છે. જોકે, દુકાનમાં પ્રવેશ કર્યા બાદ ચોર દ્વારા સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેવાયા હતા, જે સૂચવે છે કે ચોર જાણભેદુ હોઈ શકે છે.
ચોરીની આ સમગ્ર ઘટનામાં જ્વેલર્સની બાજુમાં આવેલી શૂઝ અને જેન્ટ્સ વેરના દુકાનદારો શંકાના દાયરામાં છે, વહેલી સવારે જ્યારે વેપારીને ચોરીની જાણ થઈ, ત્યારે તાત્કાલિક પુણા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે ચોર શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

