1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પોતાની નિર્દોશતા અને નિખાલસતાથી આ ગુજરાતી યુવાન દુનિયાભરમાં જાણીતો બન્યો
પોતાની નિર્દોશતા અને નિખાલસતાથી આ ગુજરાતી યુવાન દુનિયાભરમાં જાણીતો બન્યો

પોતાની નિર્દોશતા અને નિખાલસતાથી આ ગુજરાતી યુવાન દુનિયાભરમાં જાણીતો બન્યો

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના લોકલાયક કિર્તિદાન ગઢવીની ઓળખ આપવાની જરૂર નથી. તેમના લાખોની સંખ્યામાં પ્રસંશકો છે, પરંતુ તેમની સાથે છેલ્લા કેટલાક સમયથી કમો ઉર્ફે કમલેશભાઈ નામનો એક યુવાન જોવા મળે છે. આ કામો આજે સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જે કમાને ના ઓળખતી હોય, સામાન્ય વ્યક્તિથી એકદમ અલગ કમલેશ ઉર્ફે કમાના પ્રશંસકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં છે. કમો ઉર્ફે કમલેશની માસુમિયત અને તેના ડાન્સને લોકો વધારે પસંદ કરે છે.

વાત જાણે એમ છે કે, તાજેતરમાં જાણીતા લોકગાયક કિર્તિદાન ગઢવીનો સુરેન્દ્રનગરના કોઠારિયામાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોઠારિયામાં જ રહેતા કમલેશ ઉર્ફે કમો નરોત્તમભાઈ પણ ઉપસ્થિત રહ્યો હતો. જ્યારે કિર્તિદાન ગઢવી ગીત ગાતા હતા તે સમયે કમો દર્શકોમાં બેઠેલો કમલેશ સ્ટેજ આગળ આવ્યો હતો અને પોતાના નિર્દોશભાવે ડાન્સ કરવા લાગ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોને અત્યાર સુધી અનેક લોકોએ જોયાં છે. એટલું જ નહીં હવે કિર્તિદાન ગઢવીના ડાયરાના કાર્યક્રમમાં જોવા મળે છે, આ ઉપરાંત અન્ય લોક લાયકો પણ કમાને પોતાના કાર્યક્રમમાં ખાસ આમંત્રણ આપે છે. કમો ઉર્ફે કમલેશના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ધૂમ મચાવી રહ્યાં છે.

કમા ઉર્ફે કમલેશની માતા-પિતાએ જણાવ્યું હતું કે, જ્યારે તેનો નાનો હતો ત્યારે તેને નાના મગજની સમસ્યા હોવાનું કહીને તે બોલી નહીં શકે અને ચાલી પણ નહીં શકે તેમ કહ્યું હતું. પરંતુ ભગવાનની કૃપાથી તે ચાલકો અને બોલતો થયો છે, કમો ઉર્ફે કમલેશ વ્યવસ્થિત રીતે બોલી શકતા નથી, નાનપણથી તેને ભગવાનની ભક્તિમાં રસ હતો, તેમજ મંદિરો અને ધાર્મિક કાર્યક્રમોમાં તે અવાર-નવાર જતો હતો. આજે પણ ગામ અને આસપાસના વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે અને ગામમાં કોઈ દીકરીના લગ્ન હોય તો તેમાં અચુક જાય છે અને આર્શિવાદ આપે છે. હવે વિવિધ કાર્યક્રમમાં કમાને અનેક લોક ગાયકો બોલાવે છે, આ કાર્યક્રમમાં કમો જાય ત્યારે જે પૈસા આપવામાં આવે છે તે પૈસા કમો દાન કરી દે છે.

સોશિયલ મીડિયામાં યુઝર્સ નિમેશ જોશીએ પોસ્ટ કરી હતી કે, હમણાં હમણાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ધૂમ મચાવી રહી છે. જાણીતા અને મારા માનીતા ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીના એક કાર્યક્રમમાં કિર્તીદાન  “રસીઓ રૂપાળો”  એ ગીત છેડે છે અને એક ખૂણામાં  બેસેલો એક દિવ્યાંગ યુવાન પોતાની નિજાનંદી મસ્તીમાં ઝુમી ઉઠે છે. એ બાળકને ગીતની કેટલી ખબર પડતી હશે એ તો એ અને એનો ભગવાન જાણે, પરંતુ તેની નિર્દોષ મસ્તી અને ઠેહકા –  જોનારા સૌનું દિલ જબરજસ્ત જીતી લે છે. અંદાજે  બે – ત્રણ કરોડ લોકો આ દ્રશ્યો જોઈ ચૂક્યા છે અને હજી પણ આ દિવ્યાંગ યુવાનના નવા નવા વીડિયો ફેલાઈ રહ્યા છે. આ દિવ્યાંગ યુવાનને બધા “કમો” કહીને બોલાવે છે. નામ છે કમલેશ. કીર્તિદાન ગઢવી એમના કાર્યક્રમમાં યુવાનને સરસ શબ્દોથી નવાજે છે અને કમો પણ નિર્દોષભાવે પોતાનું પેન્ટ ચડાવીને દમદાર થઈને ઝુમે છે !

કળિયુગમાં પણ લોકોને ખરેખર નિર્દોષતા જ ગમે છે. નિખાલસતા જ હજી પણ ભગવાનનું  જ સ્વરૂપ છે. એક બાજુ સ્માર્ટ બનવાની, દેખાવાની કે પુરવાર થવાની જાણે મેરેથોન દોડ ચાલી રહી હોય તેવું દુનિયાનું વાતાવરણ છે અને બીજી બાજુ આવી નિખાલસતાનું જગત પણ પોતાનું સુંદર અસ્તિત્વ ધરાવે છે. આમ જુવો તો સ્માર્ટનેસની પાછળનો ચહેરો તો બહુ ખતરનાક હોય છે. કોઈનાથી સત્ય છુપાવી શકો, કોઈને ઉલ્લુ બનાવી શકો, કોઈને રમાડી શકો, પોતાનો સ્વાર્થ દંભ કરીને પણ સાધી શકો, પોતે જ હોશિયાર છે એવું બતાવી શકો તે માણસ આજે “સ્માર્ટ” કહેવાય છે !  કળિયુગમાં આ બધી વ્યાખ્યાઓ પણ કેવી બદલાઈ ગઈ છે !  આજે તો સ્માર્ટપણું  પોતે જ ડર પેદા કરનારૂ બની ગયું છે. કોઈ કહે કે તે સ્માર્ટ છે એટલે સામેવાળાને એટલો જ વિચાર આવે કે આ સ્માર્ટ માણસથી સંભાળીને કેવી રીતે રહેવું ! સ્માર્ટ સામે પોતાની જાતને તૈયાર કરવાની તૈયારીમાં ઘણી વખત વ્યક્તિ પોતે પણ પોતાની સહજતા ગુમાવી અકુદરતી આંચળો ઓઢી લેતો જોવા મળે છે !  એટલે જ તો કમો જ સતયુગ છે. આપણે સૌ પણ સતયુગની અનુભૂતિ પણ ત્યાં જ કરીએ છીએ જ્યાં નિર્દોષતા કે નિખાલસતા હોય. એ જ મિત્રો કે સગા સંબંધી આપણને દિલથી ગમતા હોય છે જે નિખાલસ કે નિર્દોષ હોય. એ બાબતનો  આનંદ પણ ચોક્કસ છે કે સ્માર્ટ માણસને પણ ગમતા માણસો તો નિર્દોષ કે નિખાલસ જ હોવાના.  બસ ગમવાનો આ ભાવ હોવામાં પરિવર્તિત થઈ જશે ત્યારે માણસ હોવાનો સાચો અર્થ તો સમજાય જ જશે સાથે સાથે જીવન પણ હળવું ફૂલ થઈ જશે. આપણે જે નથી એવા દેખાવાની કે બનવાની આ દોડમાંથી નીકળી જઈશું તો કદાચ દુનિયાની કોઈક ભૌતિકતા આપણે પ્રાપ્ત નહીં  કરી શકીએ , પરંતુ જાત સાથે વાત કરતા આપણને શરમ નહિ આવે.  આપણી જાતને જ જૂઠાડા, દંભી કે કનિંગ એવું મોઢા મોઢ કહેવાથી આપણે ચોક્કસ બચી શકીશું.

(Photo-Social Media)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code