HomeગુજરાતીટેકનોલોજીAI ડેટા સેન્ટરનો વિરોધ કરનારા પાછળથી પસ્તાશે, આર્થિક તકો ગુમાવવાનો છે મોટો...

AI ડેટા સેન્ટરનો વિરોધ કરનારા પાછળથી પસ્તાશે, આર્થિક તકો ગુમાવવાનો છે મોટો ભયઃ અમેરિકા

વાશિંગ્ટન, 3 સપ્ટેમ્બર 2026: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને તેને લગતા ડેટા સેન્ટરોના નિર્માણને લઈને દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લટનિકે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો કોઈ સમુદાય કે પ્રદેશ AI ડેટા સેન્ટરના નિર્માણનો વિરોધ કરશે, તો તે ભારે રોકાણ, રોજગારીની તકો અને ટેક્સ દ્વારા મળતી ભારી આવક જેવા મોટા આર્થિક અવસરો કાયમ માટે ગુમાવી બેસશે.

ઉત્તર કેરોલિનાના ચેપલ હિલ ખાતે યોજાયેલી ‘G20 ઇનોવેશન મિનિસ્ટિરીયલ’ બેઠક પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા લટનિકે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિસ્તારનું જોરદાર સમર્થન કર્યું હતું. આ ટિપ્પણી ત્યારે સામે આવી જ્યારે એક પત્રકારે ધ્યાન દોર્યું કે ઓરેન્જ કાઉન્ટી દ્વારા મોટા ડેટા સેન્ટરોના નિર્માણ પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સવાલના જવાબમાં લટનિકે જણાવ્યું હતું કે, “અસલ સમસ્યા ખોટી માહિતી અને ગેરસમજ છે. જો તમે ડેટા સેન્ટરો અટકાવશો, તો ભવિષ્યની મોટી આર્થિક તકો તમારા હાથમાંથી નીકળીને અન્યત્ર જતી રહેશે.”

વાણિજ્ય મંત્રીએ ડેટા સેન્ટરો વિશે ફેલાવવામાં આવી રહેલી અફવાઓ અને ખોટી ધારણાઓને સદંતર ફગાવી દીધી હતી. તેમણે એ દાવાઓને પણ નકારી કાઢ્યા હતા કે ડેટા સેન્ટરોને કારણે વીજળી મોંઘી થઈ જશે અથવા સ્થાનિક સંસાધનો પર અતિશય ભાર વધશે. લટનિકના મેત, આ બધી વાતો ડેટા સેન્ટરોની છબી ખરાબ કરવા માટે ફેલાવવામાં આવી રહી છે જેથી વૈશ્વિક રેસમાં અમેરિકાને ધીમું પાડી શકાય. તેમણે સ્પષ્ટ કર્યું કે ડેટા સેન્ટર બનાવતી કંપનીઓ પોતાની ઊર્જા જરૂરિયાતો માટે સ્વતંત્ર વ્યવસ્થા કરતી હોય છે અને સ્થાનિક અર્થતંત્રમાં પણ ભરપૂર યોગદાન આપે છે.

  • સ્થાનિક સ્તરે સંવાદ અને ભવિષ્યની ચેતવણી

લટનિકે સૂચન કર્યું કે AI ડેટા સેન્ટર સ્થાપતી કંપનીઓએ સ્થાનિક નાગરિકો સાથે વધુ સારો સંવાદ કરવો જોઈએ અને તેમની શંકાઓનું નિવારણ લાવવું જોઈએ. કંપનીઓએ સ્પષ્ટ કરવું જોઈએ કે તેનાથી સ્થાનિક સ્તરે વીજળીના બિલ કે દર વધશે નહીં. આગામી સમયની આગાહી કરતા તેમણે ઉમેર્યું કે, “આજે જે વિસ્તારો આ પ્રોજેક્ટ્સનો વિરોધ કરી રહ્યા છે, તેઓ ભવિષ્યમાં પાડોશી વિસ્તારોને આર્થિક રીતે સમૃદ્ધ થતા જોઈને પસ્તાશે. એક, બે કે પાંચ વર્ષ પછી જ્યારે આપણે પાછળ ફરીને જોઈશું, ત્યારે વિરોધ કરનારાઓને સમજાશે કે તેમણે કેટલો મોટો આર્થિક અવસર ગુમાવી દીધો છે.” AI મોડેલો વૈશ્વિક જ્ઞાનને દરેક અર્થતંત્ર અને સમુદાય સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવતા હોવાથી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશના વિકાસ માટે અનિવાર્ય હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular