અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: શહેરમાં 15 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો દોડી ગયો હતો. અને ડોગ સ્ક્વોર્ડની મદદથી શાળાઓમાં ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી હતી. બીજીબાજુ વાલીઓ પોતાના બાળકોને લેવા માટે સ્કૂલો પર દોડી આવ્યા હતા. પોલીસે ઈ-મેઈલ ક્યાંથી આવ્યો તેની તપાસ કરી રહી છે. ઇમેલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથે અન્ય ધમકી પણ આપી છે. જેમાં લખ્યું છે કે, તમારા બાળકોને બચાવો અને 26મી જાન્યુઆરીના રોજ શાળામાં તિરંગો ન લહેરાવવો તેમ જણાવવામાં આવ્યું છે. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (Bomb Detection and Disposal Squad) અને ડોગ સ્ક્વોડ દ્વારા શાળાના ક્લાસરૂમ, મેદાન અને લોબીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. બીડીડીએસની ટીમે જણાવ્યું છે કે, સતર્કતાના ભાગરૂપે શાળામાં તપાસ હાથ ધરવામાં આવી છે. હજી કોઈ શાળામાંથી કાંઈપણ વાંધાજનક વસ્તુ મળી નથી. જેથી કોઈએ ગભરાવવાની જરૂર નથી.
શહેરની કેટલીક જાણીતી સ્કૂલને આજે 23મી જાન્યુઆરીના વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જે શાળાઓને ઈ-મેઈલથી ધમકી મળી છે જેમાં સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાંચ, DPS બોપલ, સેન્ટ ઝેવિયર્સ લોયોલા – નવરંગપુરા, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ – મીઠાખડી, જેડી હાઈસ્કૂલ – નરોડા, રેડ બ્રિક્સ સ્કૂલ – સેટેલાઈટ, વિધાનગર સ્કૂલ- ઉસ્માનપુરા, કેન્દ્રીય વિદ્યાલયનો સમાવેશ થાય છે. ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યાની જાણ થતા તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો દોડી ગઈ હતી. ઉપરાંત સાયબરની ટીમે પણ આ અંગે તપાસ શરૂ કરી છે. ધમકી મળતા વાલીઓને જાણ કરીને ઉપરોક્ત તમામ શાળાના વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. તો બીજી બાજુ આ ઈ-મેલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથે અન્ય ધમકી પણ આપી છે. જેમાં લખ્યું છે કે, તમારા બાળકોને બચાવો અને 26મી જાન્યુઆરીના રોજ શાળામાં તિરંગો ન લહેરાવવો તેમ જણાવવામાં આવ્યું છે. આ ઈમેલમાં ખાલિસ્તાન બાંગ્લાદેશ ઝિંદાબાદ તેમ પણ લખવામાં આવ્યું છે.
શહેરની જાણીતી શાળાઓને ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા વિદ્યાર્થીઓને રજા આપી દઈને વાલીઓને જાણ કરવામાં આવી હતી. વાલીઓ પોતાના નોકરી-ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલોમાંથી ફોન આવતા ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા હતા. સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી રહી છે. પોલીસ પણ તાત્કાલિક સ્કૂલોમાં પહોંચી ગઈ છે. બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરી હતી. તો ફાયર બ્રિગેડની ટીમોને પણ જાણ કરી સ્કૂલો પર તપાસ માટે મોકલવામાં આવી છે. ઉસ્માનપુરાની વિદ્યાનગર હાઈસ્કૂલમાં બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી છે. અત્યાર સુધી એકપણ સ્કૂલમાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી.

