Site icon Revoi.in

અમદાવાદ અને વડોદરાની 33 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ દોડી ગયા

Social Share

અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2026: શાળાઓને ઈ-મેઈલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અફડા-તફડીનો માહોલ સર્જાતો હોય છે. કેટલાક દિવસ પહેલા શાળાઓને ઈ-મેઈલથી ધમકી મળી હતી અને બોમ્બ સ્ક્વોર્ડ અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ બાદ કંઈ ન મળતા ઈ-મેઈલ મોકલનારા સામે તપાસ હાથ ધરી હતી. ત્યાં આજે ફરીવાર અમદાવાદ અને વડોદરાની 33 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી મળતા પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ દોડી ગયા હતા. શાળાઓએ પણ બાળકોની સલામતી માટે વાલીને જાણ કરતા વાલીઓ શાળાઓ પર બાળકોને લેવા દોડી આવ્યા હતા. પોલીસે શાળાઓનો ખણેખૂણો તપાસી લીધો હતો પણ વાંધાજનક કંઈ ન મળતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

ગુજરાતની 33 શાળાઓને આજે 16 ફેબ્રુઆરીના સવારમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વડોદરાની 17 અને અમદાવાદની 15 સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો હતો. મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અને લખ્યું હતું કે, ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે. બોમ્બની ધમકી મળતા જ તમામ શાળાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાલીઓમાં પણ દોડધામ મચી હતી. આ બનાવની જાણ કરાતા પોલીસ, બોમ્બ સ્ક્વોર્ડ, ડોગ સ્ક્વોર્ડ સહિત કાફલો દોડી આવ્યો હતો. અને સ્કૂલોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતુ. દરમિયાન ફાયર વિભાગનો કાફલો પણ શાળાઓ પર દોડી ગયો હતો. શાળાઓ ખાલી કરાવીને વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. જોકે તપાસને અંતે કંઈ વાંધાજનક મળ્યુ ન હતું.

 વડોદરાની 17 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી મળી હતી. જેમાં ડી. આર. અમીન, વાસણા રોડ, ઉર્મી, સમા સાવલી, નાલંદા- વાઘોડિયા રોડ, બરોડા હાઈસ્કુલ, બગીખાના, નવયુગ, સમા, જીવન સાધના, નાઘરવાડા, AWS, ડભોઇ, શાનેન, ખોડિયારનગર, GPS સ્કૂલ, વાઘોડિયા, બ્રાઈટ ડે સ્કૂલ, વાસણા, આત્મીય વિધાલય, ડોન બોસ્કો, મકરપુરા રોડ, બીલાબોંગ, વડસર, ઓકઝીલિયમ, સુસેન સર્કલ, જેનીથ સ્કૂલ, પ્રતાપનગર અમેરિકન સ્કૂલ, કપુરાઇ અને ગ્રીન વેલી સ્કૂલ, ભીમપુરાનો સમાવેશ થાય છે.

જ્યારે અમદાવાદની 15 સ્કૂલોને ધમકી મળી છે જેમાં  DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા, એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર, એ વન સ્કૂલ, સેટેલાઇટ, અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર, સંત કબીર, નવરંગપુરા, સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગર, તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ, SGVP ગુરુકુળ સ્કૂલ, એ.જી. હાઈસ્કુલ નવરંગપુરા, જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ, દિવાન બલ્લુભાઈ, સી.એન વિધાલય, વિજયનગર સ્કૂલ, ખાલસા લિટલ સ્કૂલ બાપુનગર, અને જીવીબા સ્કૂલ, ઘોડાસરનો સમાવેશ થાય છે.

અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી  રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી 15થી વધુ શાળાઓને ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા છે, પરંતુ બાળકો અને વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. પોલીસ પ્રશાસન સાથે સંકલન સાધીને તમામ શાળાઓમાં ઝીણવટભરી તપાસ કરી લેવામાં આવી છે.આગામી બોર્ડની પરીક્ષા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે અને જો ભવિષ્યમાં પણ આવા ઇમેઇલ મળે, તો પરીક્ષાની કામગીરી પર તેની કોઈ નકારાત્મક અસર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

Exit mobile version