સુરત, 19 જાન્યુઆરી 2026: શહેર નજીક દરિયામાં હોડી સ્પર્ધાનું આયોજન યોજાઈ હતી. શહેરના હજીરા રો-રો ફેરી (એસ્સાર જેટી) થી મગદલ્લા પોર્ટ સુધી 21 કિમીની સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન ત્રણ હોડી અચાનક પલટી જતા અફડા-તફડી મચી ગઈ હતી. જોકે તંત્ર અને અન્ય નાવિકો દ્વારા ત્વરિત બચાવ કામગીરી હાથ ધરીને તમામ નાવિકોને બચાવી લેવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 45મી મહાજન સ્મારક સમુદ્ર સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્પર્ધા દરમિયાન ત્રણ હોડી અચાનક પલટી મારી જતાં અફરાતફરી મચી ગઈ હતી, જોકે તમામ નાવિકોનો આબાદ બચાવ થયો છે. હરિઓમ આશ્રમ-નડિયાદ પ્રેરિત આ પરંપરાગત રેસ છેલ્લા 45 વર્ષથી સતત યોજાઈ રહી છે. હજીરા રો-રો ફેરી (એસ્સાર જેટી) થી મગદલ્લા પોર્ટ સુધી આશરે 21 કિલોમીટર લાંબી આ હોડી સ્પર્ધામાં કુલ 10 જેટલી સઢવાળી હોડીઓએ આ પડકારજનક રેસમાં ભાગ લીધો હતો.
સઢવાળી હોડી રેસ જ્યારે મધદરિયે પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે અચાનક પવનના વેગ અથવા તકનીકી કારણોસર ત્રણ સઢવાળી હોડી પલટી ખાઈ ગઈ હતી. હોડી પલટી જતાં ક્ષણભર માટે કિનારે ઉભેલા દર્શકો અને આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. તંત્રએ ત્વરિત બચાવ કામગીરી હાથ ધરી હતી, અને તમામ નાવિકો કુશળ તરવૈયા હોવાથી તેઓએ હિંમત હારી નહોતી અને પાણીમાં તરીને પોતાનો જીવ બચાવ્યો હતો.
સુરતની રમતગમત પ્રેમી જનતા માટે આ રેસ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. આ હરિફાઈ નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. હજીરાથી શરૂ થયેલી આ રેસ મગદલ્લાના રૂઢ ઓવારા ખાતે સંપન્ન થઈ હતી. દરિયાઈ પવન અને મોજાઓ વચ્ચે રમાતી આ રમત જેટલી સાહસિક છે એટલી જ જોખમી પણ છે, પરંતુ અનુભવી નાવિકોની સતર્કતાને કારણે આજે કોઈ જાનહાનિ થઈ ન હતી.

