Site icon Revoi.in

વાવ-થરાદના ડોડ ગામના તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત

Social Share

થરાદ, 16 એપ્રિલ 2026: Three children drown in a pond   વાવ-થરાદ જિલ્લાના ડોડ ગામના તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા. ત્રણેય બાળકો વેકેશનને લીધે પોતાના મામાના ઘેર આવ્યા હતા. અને તળાવના કાંઠે બાળકો રમતા હતા ત્યારે એક બાળક રમતા રમતા તળામાં પડતા તેને બચાવવા માટે તેની બન્ને બહેનોએ તળાવમાં ઝંપલાવ્યું હતું અને ડુબી જતા ત્રણેય બાળકોના મોત થતાં નાના એવા ડોડ ગામમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.

વાવ-થરાદ પંથકના ડોડગામના ગામના તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના કરુણ મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં એક બાળક અને બે બાળકીઓએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ, આ ત્રણેય બાળકો મામાના ઘરે આવ્યા હતા, જ્યાં રમત-રમતમાં કાળ ભેટી ગયો હતો. મામાના ઘરે વ્હાલ સોયા ભાણેજોના મોતના સમાચાર મળતા ગ્રામજનો તળાવના કાંઠે દોડી ગયા હતા.

આ ઘટના અંગે ગ્રામજનોના કહેવા મુજબ, ડોડ ગામમાં ત્રણેય ભાણેજ પોતાના મામાને ઘેર વેકેશન કરવા આવ્યા હતા. અને તળાવના કાંઠે રમતા હતા. ત્યારે તળાવમાં માસીનો દીકરો અચાનક પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈને તેને બચાવવા માટે અન્ય બે બહેનોએ તળાવમાં ઝંપલાવ્યું હતું, પરંતુ કમનસીબે પાણી ઊંડું હોવાને કારણે ત્રણેય બાળકો બહાર નીકળી શક્યા નહોતા અને ડૂબી જવાથી ત્રણેયના મોત થયા હતા.  આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. એકસાથે ત્રણ-ત્રણ બાળકોના મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે અને વાવ પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

Exit mobile version