Site icon Revoi.in

માધવપુરના દરિયા કિનારે કાલે શુક્રવારથી ત્રિદિવસીય બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો પ્રારંભ

Social Share

પોરબંદર, 26 માર્ચ 2026: Beach sports festival ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ઊજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે તા.૨૭-૦૩-૨૦૨૬ થી તા.૩૦-૦૩-૨૦૨૬ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૬૫૦થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી રહ્યા છે.

આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, ૧૦૦ મીટર દોડ, નાળીયેલ ફેંક તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ તડામાર ગતિએ ચાલી રહી છે.

દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. માધવપુર એ પૌરાણિક યાત્રાધામ છે. જ્યાં માધવરાયનું પુરાણું મંદિર આવેલું છે. ૧૩ મી સદીનું આ જૂનું મંદિર સમુદ્રથી ઉપર ૨૦૦ ફૂટ ઉપર આવેલું વિષ્ણુમંદિર છે. મંદિરનાં વિવિધ શિલ્પો, કલા કારીગીરી, શિખર આ મલક ગર્ભદ્વાર-ગોખનાં શિલ્પોથી કંડારીત આ મંદિર સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો છે. જૂના મંદિરની અંદર  માધવરાયજી ત્રીકમરાયજીની પૂરા કદની જુગલ-જોડી હતી. સં. ૧૭૯૯ માં હવેલી બંધાતાં આ મૂર્તિઓની ત્યાં વૈષ્ણવી પ્રણાલિકા મુજબ પ્રતિષ્ઠા કરવામાં આવી. સૌરાષ્ટ્રના વિખ્યાત બહારવટિયા મૂળુ માણેક અને જોધા માણેક અહીં આવીને આ મંદિર ઉપર ભગવાન શ્રીકૃષ્ણની ધજા ફરકાવી ગયેલા એવી કિંવદંતી છે. અત્યારે પણ, આ મંદિર ભૂતકાળની ગૌરવગાથા રજૂ કરતું ઊભું છે. હાલ રાજ્ય સરકાર દ્વારા તેની મુળ ગરીમાને જાળવી રાખવાના સંકલ્પ સાથે આવનારી પેઢીઓ આ સાંસ્કૃતિક વિરાસત નીહાળી શકે તે માટે આ મંદિરના રીસ્ટોરેશનનુ કાર્ય હાથ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત માધવરાયજીની નવી હવેલી આવેલી છે. પોરબંદરના રાણી રૂપાળીબાએ આ હવેલી બંધાવેલી છે. આ મંદિરમાં માધવરાય અને ત્રીકમરાયની જુગલજોડી બિરાજે છે. કહેવાય છે કે આ મુર્તિઓના કદ જેવી મૂર્તિઓની જુગલજોડી ભારતભરમાં નથી. આ મંદિરેથી જ માધવરાયજીની જાનનુ લગ્નોત્સવ વખતે પ્રસ્થાન થાય છે.

માધવપુરમાં બળદેવજીનો માંડવો,  બ્રહ્મકુંડ અને કપિલ મુનિની ડેરી સહિત અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. અને અનેક યાત્રિકો માધવપુરની મુલાકાતે આવે છે.

Exit mobile version