ગાંધીનગર, 23 જાન્યુઆરી 2026: દેશ-દુનિયામાં આવતા ભૂકંપ સામે અર્લી વોર્નિંગ સિસ્ટમ અને સંશોધન માટે આ ત્રિદિવસીય વૈશ્વિક પરિષદ મહત્વની ભૂમિકા ભજવશે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશમાં સૌ પ્રથમવાર વર્ષ ૨૦૧૧માં ગુજરાતના ગાંધીનગરમાં ભૂકંપ સંશોધન કેન્દ્ર-ISRની સ્થાપના કરવામાં આવી હતી, જે આજે ભૂકંપ સંશોધન ક્ષેત્રે દેશ- દુનિયાને માર્ગદર્શન કરી રહી છે. આ વૈશ્વિક સંસ્થા ગુજરાતમાં હોવાના પરિણામે આજે વૈશ્વિક કક્ષાની પરિષદનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે, જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે તેમ,સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ આવતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ -ISR દ્વારા ગાંધીનગર ખાતે “ઇન્ટ્રાપ્લેટ અને હિમાલયન સિસ્મોલોજી: છેલ્લા ૨૫ વર્ષમાં થયેલા વિકાસ” વિષય પર પરિષદ તેમજ ૯મી ‘એડવાન્સિસ ઇન અર્થક્વેક સાયન્સ કન્વેન્શન’નું તા.૨૩ થી ૨૫ જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદનો આજે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ શુભારંભ કરાવ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે, નદીઓ, સમુદ્ર પર પુલ, રોડ સહિત મોટી ઇમારતો અને બાંધકામને વધુ ભૂકંપ પ્રૂફ કઈ રીતે બનાવવા તેના પર આ કોન્ફરન્સમાં તજજ્ઞો દ્વારા વિવિધ સંશોધન અને પેપરો રજૂ કરવામાં આવશે. દેશના વેસ્ટર્ન ઝોનમાં આવતું ગુજરાત અર્થક્વેક ઝોન ધરાવે છે. રાજ્યમાં કચ્છ સહિત ચાર સિસ્મોલોજિકલ ઝોન આવેલા છે. તેમાં કચ્છ સૌથી વધુ ભૂકંપની તિવ્રતા ધરાવતો પ્રદેશ છે.
ISESના વાઇસ પ્રેસિડેન્ટ અને પદ્મશ્રી ડો. વી.પી.ડિમરીએ કહ્યું હતું કે, આ પરિષદમાં પોલિસી મેકર્સ, યુવાઓ,નિષ્ણાતો તેમજ વૈજ્ઞાનિકો ભાગ લઇ રહ્યા છે. આ પ્રકારની પરિષદ ભૂકંપ વિજ્ઞાનના અભ્યાસ માટે વધુ સહાયરૂપ બનશે. સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટી, USAના ડો. હિથર ડિસોને જણાવ્યું હતું કે, ભૂકંપ વિજ્ઞાન ક્ષેત્રે ગહન સમજ કેળવવા સૌનો સહયોગ અસરકારક સાબિત થશે.
NDMAના પૂર્વ સભ્ય અને પદ્મશ્રી પ્રો.હર્ષ ગુપ્તાએ પરિષદમાં ઉપસ્થિત સભ્યોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પરિષદ ગુજરાતની સાયન્સ ડ્રિવન પોલિસી , ડિઝાસ્ટર રિઝિલયન્ટ એક્શન, આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે સજ્જતા વિશે પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ત્રિદિવસીય આ પરિષદ ભૂકંપ વિજ્ઞાન ક્ષેત્રે ફળદાયી નિવડશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
ISRના ડાયરેક્ટ જનરલ ડી.ડી જાડેજાએ ભૂકંપ ક્ષેત્રે કાર્યરત સૌ વૈજ્ઞાનિકો અને તજજ્ઞોને ગુજરાતમાં આવકારતાં કહ્યું હતું કે, આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં ગુજરાત સહિત દેશ- વિદેશમાં આવતા ભૂકંપ અંગે નવા અભ્યાસ અને સંશોધન કરવામાં આવશે, જે ભવિષ્યમાં ભૂકંપથી થતું નુકશાન અટકાવવામાં મહત્વનું યોગદાન આપશે.
આ પરિષદમાં વિવિધ સત્રોમાં ભૂકંપ વિજ્ઞાન ક્ષેત્રે થયેલી તાજેતરની વૈજ્ઞાનિક પ્રગતિ, સંશોધન પ્રવૃત્તિઓ અને ભવિષ્યના દિશાસૂચક અભિગમો પર ચર્ચા કરવામાં આવશે.દેશ-વિદેશના નિષ્ણાતો અને સંશોધકોએ પોતાના અનુભવ અને અભ્યાસ પેપર રજૂ કરશે.

