Site icon Revoi.in

કામરેજના ગળતેશ્વર મહાદેવ ફરવા આવેલા એક મહિલા સહિત ત્રણના તાપીમાં ડુબી જતા મોત

Social Share

સુરતઃ શહેર નજીક આવેલા કામરેજના ગળતેશ્વર મહાદેવ ફરવા આવેલા 5 લોકોમાંથી 3 લોકો તાપી નદીમાં ડૂબી જતાં મોત નીપજ્યા છે. જેમાં એક મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. તાપી નદીમાં મહિલા સહિત ત્રણ જણાં ડૂબી ગયાની જાણ થતાં ફાયર વિભાગના જવાનો દોડી ગયા હતા. અને તરવૈયાની મદદથી શોધખોળ કરીને ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  કામરેજ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિરે સુરતથી 5 લોકો ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન મંદિર પાસે તાપી નદીમાં એક મહિલા અને બે પુરૂષો નહાવા માટે પડ્યા હતા. અને ત્રણેયના ડૂબી જતાં મોત નીપજ્યા હતા. એક મહિલા સહિત બે પુરુષ પાણીમાં ગરકાવ થયાની જાણ થતા ફાયરની ટીમે દોડી આવીને નદીમાંથી ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મહિલાનો મૃતદેહ ગત રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે બે પુરુષના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને પોલીસે મૃતદેહોનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કામરેજ પોલીસ મથકના પીઆઈ એ.ડી ચાવડાએ જણાવ્યું હતું કે, તાપી નદીમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. મૃતકો કોણ છે એ દિશામાં તપાસ ચાલુ છે. અત્યાર સુધીની તપાસમાં મૃતકો સુરત શહેરમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે