Site icon Revoi.in

વેરાવળના સિડોકર ગામે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ઈલેક્ટ્રિક શોર્ટ લાગતા ત્રણના મોત

Social Share

વેરાવળઃ ગીર સામનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સિડોકર ગામે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર એવા મોમાઈ માતાજીના મઢ ખાતે પુંજ ઉત્સવ પ્રસંગે વીજળીને કરંટ લાગતા એક કિશોર સહિત ત્રણના મોત નિપજ્યા હતા. નવરાત્રિની આઠમ અને નોમના પાવન પ્રસંગે યોજાયેલા પુંજ ઉત્સવમાં આજે વહેલી સવારે કરુણાંતિકા સર્જાતા ઉત્સવની રોનક ગમગીન બની ગઈ હતી.

વેરાવળના સિડોકર ગામમાં આજે બુધવારે વહેલી સવારે એક અત્યંત કરૂણ દુર્ઘટના બની હતી.  માતાજીના પૂંજ પ્રસંગ દરમિયાન વીજ કરંટ લાગતા ત્રણ યુવાનોના કરૂણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવની વિગત એવી છે કે, વેરાવળ તાલુકાના સિડોકર ગામમાં રબારી સમાજના આસ્થાના કેન્દ્ર એવા મોમાઈ માતાજીના મઢ ખાતે પુંજ ઉત્સવનું આયોજન કરાયુ હતુ. અને આજે પૂર્ણાહુતિનો દિવસ હતો. ગામમાં સવારે સાડા ચાર વાગ્યાથી વરસાદ વરસી રહ્યો હતો. એ સમયે ત્રણ ભક્તો ચા ભંડારા પાસે ઉભા હતા અને વરસાદથી બચવા ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ગયા હતા. ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતાં ત્રણેયને વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.  મૃતકોમાં  ભરત નારણભાઇ ગલચર (ઉ.વ.18, રહે. તાલાલા), હર્ષલ ભરતભાઇ ચૌહાણ (ઉ.વ. 13, રહે. રોણાજ) અને કરશન ગોવિંદ મારુ (ઉ.વ. 45, રહે.વડોદરા ઝાલા)નો સમાવેશ થાય છે. ત્રણેયના મૃતદેહોને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા છે.

સિડોકર ગામમાં મોમાઈ માતાજીનો પુંજ ઉત્સવ વર્ષોથી ભવ્ય રીતે ઊજવવામાં આવે છે. આ વખતે પણ બે દિવસીય પુંજ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ પૂર્ણાહુતિના દિવસે થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ છે. એક જ ધાર્મિક પ્રસંગમાં ત્રણ યુવાનોના મોત થતાં સમગ્ર સિડોકર ગામ અને રબારી સમાજમાં ઊંડો શોક છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સિડોકર ગામ પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.