- સગીર યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો
- બે મિત્રોએ પોલીસના ડરથી દેશી તમંચો કચરામાં ફેંકી દીધો
- રાતના સન્નાટામાં ફાયરિંગનો અવાજ સાંભળીને રહીશો પણ બહાર દોડી આવ્યા
અમદાવાદઃ શહેરના લાંભા વિસ્તારમાં આવેલી શિવાલી રેસીડેન્સીના એક ફ્લેટમાં મોડી રાત્રે ત્રણ મિત્રો એકબીજા સાથે મસ્તી કરી રહ્યા હતા ત્યારે દેશી તમંચામાંથી અચાનક ફાયરીંગ થતાં એક સગીરને ગોળી વાગતા ગંભીર ઈજા થઈ હતી. ફાયરિંગના અવાજથી આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. અને ગંભીરરીતે ઘવાયેલા સગીર યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યા તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ બનાવ બાદ આરોપી સિદ્ધાર્થ ભૂમિહર અને રોહિત પ્રજાપતિએ પોલીસના ડરથી દેશી તમંચો કચરામાં ફેંકી દીધો હતો, જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે બંને યુવકોને રાઉન્ડઅપ કરી લીધા છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના લાંભા વિસ્તારના શિવાલી રેસીડેન્સીમાં રહેતા બેંક કર્મચારી સિદ્ધાર્થ ભૂમિહર (મૂળ પરપ્રાંતિય) ગઈકાલે ઘરે એકલા હતા. ઘરે કોઈ ન હોવાથી તેણે મિત્ર રોહિત પ્રજાપતિ અને એક સગીરને ઘરે બોલાવ્યા હતા. ત્રણેય મિત્રો મોડી રાત્રે મસ્તી કરી રહ્યા હતા. ત્યારે સિદ્ધાર્થ પાસે રહેલી દેશી તમંચામાંથી અચાનક ફાયરિંગ થઈ ગયું, જેની ગોળી સીધી સગીરને વાગતાં તે જમીન પર ઢળી પડ્યો. આથી ગભરાઈ ગયેલા સિદ્ધાર્થ અને રોહિતે તુરંત જ સગીરના માતા-પિતાને જાણ કરી હતી. રાતના સન્નાટામાં ફાયરિંગનો અવાજ સાંભળીને સોસાયટીના રહીશો પણ બહાર દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત સગીરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત હજુ નાજુક બની રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
પોલીસે ફાયરિંગ કરનારા બંને યુવકો સિદ્ધાર્થ ભુમિહર અને રોહિત પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન બંનેએ ગુનો કબૂલ કર્યો અને સિદ્ધાર્થે જણાવ્યું કે, મસ્તી કરતી વખતે તેના હાથે અચાનક દેશી તમંચાનું ટ્રિગર દબાઈ ગયું હતું, જેના કારણે ગોળી સીધી સગીરને વાગી હતી. આરોપીઓએ ગભરાટમાં હથિયાર કચરાના ઢગલામાં ફેંકી દીધું હોવાનું પણ કબૂલ્યું છે, જેની પોલીસ હાલ શોધખોળ કરી રહી છે.

