Site icon Revoi.in

રાજકોટમાં એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી)ના જથ્થા સાથે ત્રણ શખસો પકડાયા

Social Share

રાજકોટઃ શહેરમાં એમ્બરગ્રીસ ( વ્હેલ માછલીની ઊલટી)ના જથ્થા સાથે સુરેન્દ્રનગરના ત્રણ શખસોને રાજકોટ શહેર SOG પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે કુલ 2.96 કરોડના એમ્બરગ્રીસના જથ્થા સહિત કુલ 2.97 કરોડના મુદામાલ જપ્ત કર્યો છે.. પ્રાથમિક તપાસમાં આરોપીઓ સુરેન્દ્રનગરથી રાજકોટ એમ્બરગ્રીસનો જથ્થો વેચવા માટે આવ્યા હતા અને ગ્રાહકની શોધમાં હતા ત્યારે SOGએ ઝડપી પાડ્યા હતા.

રાજકોટ શહેર SOG દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઊલટી સાથે એક શખસની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી પોલીસે 2.96 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્યારબાદ પૂછતાછને આધારે વધુ બે શખસોને પકડી પાડ્યા હતા.  ઝડપાયેલા આરોપીના નામ નરેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા (ઉ.વ.51), પરેશ ચંદ્રકાંત શાહ (ઉ.વ.66) અને આશીષ સુરેશ ભટ્ટ (ઉ.વ.48) છે, જે મૂળ સુરેન્દ્રનગરના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં આરોપી નરેન્દ્રસિંહ જાડેજા મુખ્ય સૂત્રધાર છે અને તેને બાબરાનો શખસ વ્હેલ માછલીની ઊલટી (એમ્બગ્રીસ) આપી ગયો હતો. તેણે અન્ય બે શખ્સો સાથે મળી રાજકોટમાં ગ્રાહકોની શોધખોળ કરતા શાસ્ત્રી મેદાન પાસે પહોંચતા SOG દ્વારા ચોક્કસ બાતમીના આધારે આરોપીઓને એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, જેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હાલ પોલીસે આરોપી પાસેથી કબ્જે કરેલો વ્હેલ માછલીની ઊલટી (એમ્બગ્રીસ) રેન્જ ફોરેસ્ટ ઓફીસર તેમજ FSL અધિકારીઓ પાસે પરીક્ષણ/તપાસ અર્થે મોકલી આરોપી વિરમની BNSS કલમ 35(1)(ઇ) મુજબ અટકાયત કરી તપાસ વનવિભાગના કાર્યક્ષેત્રને લગતી હોય, જેથી વધુ તપાસ રાજકોટના વનવિભાગના અધિકારી સોપી છે.

વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ  વ્હેલ માછલીની ઊલટી તરતું સોનુ માનવામાં આવે છે અને ભારતના વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સ્પર્મ વ્હેલને સંરક્ષિત પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે. અને એનાં ખરીદ-વેચાણ ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું છે.