Site icon Revoi.in

વાવના ધરાધરા ગામની સીમમાં બોરવેલ ચાલુ કરવા જતા વીજ કરંટ લાગતા ત્રણનાં મોત

Social Share

પાલનપુરઃ  જિલ્લાના વાવ તાલુકાના ધરાધરા ગામની સીમમાં વહેલી સવારે વાડીમાં બોરવેલ ચાલુ કરવા જતાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે. આ કરૂણ ઘટનાથી નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વાવ તાલુકાના ધરાધરા ગામની સીમમાં વહેલી સવારે ખેડૂતપૂત્ર પોતાના માત-પિતા સાથે વાડીમાં ગયો હતો. દરમિયાન ઓરડીમાં બોરવેલની સ્વીચ ચાલુ કરવા જતાં વીજળીનો કરંટ લાગ્યો હતો. તે સમયે ખેતરની વાડીમાં હાજર તેના માતા-પિતાએ પુત્રને કરંટમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેઓ પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા અને ત્રણેયના મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. દરમિયાન 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્રણેય મૃતદેહોને થરાદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. વાવ પોલીસ મથકના પીઆઈએ ઘટનાની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

આ અંગે વાવ પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે, ખેતરની ઓરડીમાં પાણીની મોટર હતી તે ચાલુ કરવા જતાં ખેડૂત પુત્રને કરંટ લાગ્યો હતો. જોકે ખેતરની વાડીએ માતા-પિતા પણ હાજર હતા, પુત્રને કરંટ લાગતા જોઈ માતા અને પિતા બંને પુત્રને કરંટમાંથી મુક્ત કરાવવા જતાં બંને કરંટની ઝપેટમાં આવતા એમ ત્રણેય લોકોના મોત થયા છે.  મૃતકોના નામ પથુભાઈ મકવાણા, પુત્ર, જેઠાભાઈ મકવાણા, પિતા અને રાખુંબેન મકવાણા, માતા હોવાનું જાણવા મળ્યું છે.