
માત્ર પાંચ જ દિવસમાં સિનેમાજગતનાં ત્રણ તારાઓનું નિધન
મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે આ અઠવાડિયું દુઃખ અને ગમથી ભરેલું રહ્યું છે. માત્ર પાંચ દિવસના અંતરમાં સિનેમાના ત્રણ દિગ્ગજ કલાકારો મધુમતી, પંકજ ધીર અને અસ્રાનીએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. ફિલ્મપ્રેમીઓ અને ચાહકો માટે આ સમાચાર અતિ વ્યથિત કરનારા સાબિત થયા છે, કારણ કે આ ત્રણેયે પોતાના કામથી લાખો દર્શકોના દિલમાં અવિસ્મરણીય છાપ છોડી હતી.
- અસરાની :ચહેરા પર સ્મિત લાવનારા કલાકારનો શાંત વિદાય
દિવાળીનો દિવસ પ્રકાશ અને આનંદનો તહેવાર ગણાય છે, પરંતુ આ જ દિવસે દિગ્ગજ અભિનેતા અને કોમેડિયન અસરાનીનું અવસાન થયું. પરિવારના જણાવ્યા અનુસાર, તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમનું વિદાય સમારંભ સાદગીપૂર્ણ રીતે અને શાંતિથી કરવામાં આવે, કોઈ શોરશરાબા વિના. તેમની ઈચ્છા મુજબ જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 20 ઑક્ટોબરના સાંજે લગભગ 4 વાગ્યે તેમનું અવસાન થયું હતું અને થોડા કલાકોમાં જ અંતિમ વિદાય આપી દેવામાં આવી. જેમજેમ આ સમાચાર બહાર આવ્યા, સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિનો માહોલ છવાઈ ગયો.
- પંકજ ધીર અને મધુમતીનું પણ નિધન
15 ઑક્ટોબરના રોજ ફિલ્મ ઉદ્યોગને એક નહીં પરંતુ બે ઝટકા લાગ્યા હતા. ‘મહાભારત’ શ્રેણીમાં કર્ણનું પાત્ર નિભાવનારા અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું. તેઓ કેન્સરથી પીડિત હતા. સારવાર પછી પણ રોગ ફરીથી પરત ફર્યો અને તેઓને બચાવી શકાયા નહીં. પંકજ ધીરે અનેક ફિલ્મોમાં શક્તિશાળી પાત્રો ભજવ્યા હતા, પરંતુ ‘કર્ણ’નું પાત્ર તેમની ઓળખ બની ગયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં સલમાન ખાન, અરબાઝ ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
આ જ દિવસે પોતાના સમયમાં જાણીતી અભિનેત્રી અને નૃત્યાંગના મધુમતીનું પણ નિધન થયું. છેલ્લા કેટલાંક વર્ષોથી તેઓ ફિલ્મી દુનિયાથી દૂર અને ગૂમનામીમાં જીવતી હતી. તેમના અંતિમ સંસ્કારમાં મોટાં તારાઓ હાજર રહ્યા ન હતા, પરંતુ અક્ષય કુમાર જેવા કલાકારોએ, જેમણે તેમની પાસેથી નૃત્ય શીખ્યું હતું, સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો.