Site icon Revoi.in

વડોદરામાં દેરાસરમાંથી 500 વર્ષ જુની મૂર્તિની ચોરીના કેસમાં ત્રણ ચોર પકડાયા

Social Share

વડોદરા, 7 જુન, 2026 : Three thieves arrested in Derasar idol theft case  શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક દેરાસરમાં ગઈ તા, 29મી મેની રાતના સમયે તસ્કરો 500 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાઓ અને ચાંદીના દાગીનાની ચોરીને પલાયન થઈ ગયા હતા. આ બનાવની શહેર ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત તપાસ હાથ ધરીને ત્રણ તસ્કરોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પોલીસ તપાસમાં એવી હકિકત જાણવા મળી છે કે, દેરાસરની બાજુમાં બાંધકામ સાઇટ પર સેન્ટિંગ કામ કરતા મજૂરે જ ભગવાનની કિંમતી પ્રતિમાઓ જોઈને દાનત બગાડી હતી અને પોતાના બે સાગરીતો સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. જે મામલે પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરા ફંફોસીને આંતરરાજ્ય લિન્ક ધરાવતા દાહોદના ત્રણ તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

આ બનાવની વિગત એવી હતી કે, શહેરના અકોટા સ્ટેડિયમ પાછળ આવેલા અમી ફ્લેટમાં રહેતા સીએ પ્રતાપભાઇ શાહનું નજીકની ચેતન સોસાયટીમાં નવું મકાન બની રહ્યું છે. તેમણે આ મકાનના ભોંયતળિયે એક સુંદર ઘર દેરાસર બનાવ્યું હતું, જેમાં ભગવાન શ્રી સુમતિનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુજીની 500 વર્ષ જૂની અત્યંત કિંમતી પંચધાતુની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યાં ગત 29મી મેની રાત્રે તસ્કરોએ આ દેરાસરને નિશાન બનાવી ભગવાનની પૌરાણિક પ્રતિમાઓ, 500 ગ્રામ ચાંદીનો મુગટ અને અમેરિકન ડાયમંડની માળા સહિતની મતા ચોરીને ફરાર થઈ ગયા હતા.  પવિત્ર સ્થાન પર થયેલી આ ચોરીને પગલે જૈન સમાજ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચના ઇનચાર્જ એસીપી ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. જે બાદ પોલીસે અંદાજે 100થી વધુ સીસીટીવી કેમેરા ફંફોસીને આંતરરાજ્ય લિન્ક ધરાવતા દાહોદના ત્રણ તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

પોલીસની પૂછપરછમાં પકડાયેલા તસ્કરોની ઓળખ વિજય ભૂરા સંગાડા, ધર્મેશ નૂરજી માવી અને સુનિલ છતર ડાંગી તરીકે થઈ છે. જેઓ મૂળ દાહોદ જિલ્લાના વતની છે અને વડોદરાના ગોત્રી, ભાયલી તથા લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા હતા. આ ચોરીનો મુખ્ય સૂત્રધાર સુનિલ ડાંગી છે, જે પ્રતાપભાઇના નિર્માણધીન મકાનમાં સેન્ટિંગ કામ કરતો હતો. કામ દરમિયાન તેની નજર આ પૌરાણિક અને કિંમતી પ્રતિમાઓ પર પડી હતી, જેથી તેની દાનત બગડી હતી. ચોરીને અંજામ આપવા સુનિલ ડાંગીએ વતનથી પોતાના બે સાગરીતો વિજય અને ધર્મેશને બોલાવ્યા હતા અને રાત્રિના અંધકારમાં ચોરીના પ્લાનને અંજામ આપ્યો હતો. જોકે, ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાને કારણે તસ્કરો મતા સગેવગે કરે તે પહેલાં જ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે.

Exit mobile version