- કંપનીના ઉપરના માળે સ્ટ્રકચરના ટાંકામાં વેલ્ડિગની કામગીરી ચાલી રહી હતી.
- એક શ્રમિકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો,
- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભૂજઃ ગાંધીધામના પડાણા નજીક આવેલી એક ડિટરજન્ટ એન્ડ કેમિકલ કંપનીમાં વેલ્ડીંગનું કામ ચાલતુ હતું તે દરમિયાન ત્રણ શ્રમિકો ઉપરથી નીચે પટકાતા બે શ્રમિકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકને ઈજા પહોંચતા તેને સારવાર માટે રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં પોલીસે દોડી ગઈ હતી. અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, ગાંધીધામના પડાણા નજીક આવેલી ડિટરજન્ટ એન્ડ કેમિકલની એક ફેટરીમાં ઉપરના સ્ટ્રક્ચરમાં આવેલા ટાંકામાં વેલ્ડીંગ કામગીરી ચાલી રહી હતી ત્યારે ઉપર તરફ ટાંકાના વેલ્ડીંગ દરમિયાન એક શ્રમિકનો પગ સ્લીપ થતા આ દુર્ઘટના સર્જાઇ હતી.જેમાં બે શ્રમિકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક શ્રમિકને ગંભીર ઈજાઓ થતાં રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જીવ ગુમાવનાર બંને શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છની ઔદ્યોગિક નગરી એવા ગાંધીધામ વિસ્તારમાં અનેક નાના-મોટા એકમો કાર્યરત છે. જોકે, ખાનગી કંપનીઓમાં કામદાર સલામતી પ્રત્યે બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયાદો અવારનવાર સામે આવતી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર કામદાર સલામતીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.