Homeગુજરાતીગ્રામીણ વિસ્તારોમાં જાહેર આરોગ્ય સેવાઓનો વ્યાપ અને વીમા કવરેજમાં ત્રણ ગણો વધારો

ગ્રામીણ વિસ્તારોમાં જાહેર આરોગ્ય સેવાઓનો વ્યાપ અને વીમા કવરેજમાં ત્રણ ગણો વધારો

નવી દિલ્હી, 29 એપ્રિલ 2026: નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા હાથ ધરવામાં આવેલા 80મા રાઉન્ડના ‘હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન: હેલ્થ’ સર્વેક્ષણના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. 29 એપ્રિલ 2026ના રોજ પ્રસિદ્ધ થયેલા આ અહેવાલ મુજબ, ભારતની આરોગ્ય ક્ષેત્રની સેવાઓમાં અભૂતપૂર્વ સુધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જાહેર આરોગ્ય સેવાઓનો વ્યાપ અને વીમા કવરેજમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.

સર્વેક્ષણના સૌથી મહત્વના તારણ મુજબ, જાહેર આરોગ્ય સુવિધાઓમાં આઉટપેશન્ટ સારવારનો મધ્યક ખર્ચ શૂન્ય નોંધાયો છે. આનો અર્થ એ છે કે દેશનો મોટો વર્ગ હવે મફત દવાઓ અને તપાસનો લાભ લઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલોમાં દાખલ થવાના અડધાથી વધુ કેસોમાં દર્દીનો ખિસ્સા ખર્ચ માત્ર રૂ.1,100 રહ્યો છે. સરકારી હેલ્થ ઈન્સ્યોરન્સ યોજનાઓનું કવરેજ ગ્રામીણ વિસ્તારોમાં 12.9 ટકાથી વધીને 45.5 ટકા અને શહેરી વિસ્તારોમાં 8.9 ટકાથી વધીને 31.8 ટકા સુધી પહોંચ્યું છે. વર્ષ 2017-18 ની સરખામણીએ 2025 માં બીમારીની જાણ કરનાર વસ્તીનું પ્રમાણ (PPRA) લગભગ બમણું થયું છે. ગ્રામીણ વિસ્તારોમાં આ દર 6.8% થી વધીને 12.2% થયો છે, જે દર્શાવે છે કે લોકો હવે રોગ પ્રત્યે વધુ જાગૃત બન્યા છે અને વહેલી સારવાર લેતા થયા છે.

સરકારની જનની સુરક્ષા યોજના અને અન્ય પહેલોને કારણે સંસ્થાકીય પ્રસુતિના આંકડા ઐતિહાસિક સ્તરે પહોંચ્યા છે. ગ્રામીણ ભારતમાં 95.6% પ્રસુતિ હોસ્પિટલમાં થાય છે. જ્યારે શહેરી વિસ્તારમાં 97.8% પ્રસુતિ સુરક્ષિત રીતે હોસ્પિટલોમાં નોંધાઈ છે. તેમજ ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 66.8% પ્રસુતિ મફત સેવાઓ પૂરી પાડતી સરકારી હોસ્પિટલોમાં થઈ રહી છે. અહેવાલ મુજબ, દેશભરમાં કાર્યરત 1.84 લાખ ‘આયુષ્માન આરોગ્ય મંદિરો’ અને ‘અમૃત’ ફાર્મસીઓ દ્વારા મળતી સસ્તી દવાઓને કારણે સામાન્ય જનતા પરનો આર્થિક બોજ ઘટ્યો છે. આયુષ્માન ભારત (PM-JAY) યોજનાએ ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોંઘી સારવારના દ્વાર ખોલી દીધા છે.

સંબંધિત લેખો

Most Popular