Homeગુજરાતીહોર્મુઝ કટોકટી વચ્ચે OPECમાં ભંગાણ: યુએઈના નિર્ણયથી ભારતને મોટો ફાયદો

હોર્મુઝ કટોકટી વચ્ચે OPECમાં ભંગાણ: યુએઈના નિર્ણયથી ભારતને મોટો ફાયદો

નવી દિલ્હી, 29 એપ્રિલ 2026: હોર્મુઝની સામુદ્રધુનીમાં ચાલી રહેલા ભારે તણાવ અને ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્વિક તેલ બજારમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોના શક્તિશાળી સંગઠન ‘ઓપેક’ અને ‘ઓપેક પ્લસ’ માંથી સંયુક્ત આરબ અમીરાતએ બહાર નીકળવાનો નિર્ણય લેતા ભારત જેવા તેલ આયાતકાર દેશો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઓપેકમાં પડેલી આ તિરાડને કારણે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં સ્પર્ધા વધશે, જેનો સીધો લાભ ભારતને તેલના ભાવમાં ઘટાડા સ્વરૂપે મળી શકે છે.

હોર્મુઝ સંકટને કારણે ભારતને દરરોજ સરેરાશ 4,80,000 બેરલ તેલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ઈરાક પાસેથી મળતી સપ્લાય અત્યારે સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, કારણ કે ઈરાક સામાન્ય રીતે ભારતને દરરોજ 8 લાખ બેરલ તેલ આપતું હતું. જોકે, ભારતે અન્ય વિકલ્પો શોધીને આ ખાધને સફળતાપૂર્વક ભરી દીધી છે.

સાઉદી અરેબિયાએ હોર્મુઝ સામુદ્રધુની બંધ હોવા છતાં લાલ સમુદ્રના માર્ગે ભારતને તેલ પહોંચાડવાનું ચાલુ રાખ્યું છે. એપ્રિલ 2026 દરમિયાન સાઉદીએ ભારતને દરરોજ 6.97 લાખ બેરલ તેલ પૂરું પાડ્યું છે, જે અગાઉના 6.68 લાખ બેરલની સરેરાશ કરતા પણ વધુ છે. તેવી જ રીતે, યુએઈએ પણ ફુજૈરાહ બંદર દ્વારા ભારતને દરરોજ 6.19 લાખ બેરલ તેલ પૂરું પાડ્યું છે, જે ગત વર્ષની 4.30 લાખ બેરલની સરેરાશ સામે નોંધપાત્ર વધારો દર્શાવે છે.

  • ભારતે પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે ઓમાન અને વેનેઝુએલા પર નિર્ભરતા વધારી

ભારતે પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે ઓમાન અને વેનેઝુએલા પર નિર્ભરતા વધારી છે. ઓમાન પાસેથી તેલની આયાત જે પહેલા માત્ર 18 હજાર બેરલ પ્રતિ દિવસ હતી, તે હવે વધીને 1 લાખ બેરલને પાર કરી ગઈ છે. આ જ રીતે, વેનેઝુએલા પાસેથી પણ ખરીદીમાં જંગી વધારો થયો છે. અગાઉ ભારત વેનેઝુએલા પાસેથી માત્ર 10 હજાર બેરલ તેલ ખરીદતું હતું, જે હવે વધીને 2.58 લાખ બેરલ પ્રતિ દિવસ પર પહોંચી ગયું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરની તાજેતરની યુએઈ મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બન્યા છે. હવે જ્યારે યુએઈ ઓપેકમાંથી બહાર નીકળી ગયું છે, ત્યારે તે ઉત્પાદન અને વેચાણ માટે સ્વતંત્ર છે. આ સ્થિતિ ભારત માટે અત્યંત સાનુકૂળ છે, કારણ કે તેલ બજારમાં સ્પર્ધા વધવાથી ભારતને વધુ સસ્તું તેલ મળી શકશે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પેન્ટાગોનને હોર્મુઝના બહારના વિસ્તારને વધુ મજબૂતીથી બ્લોક કરવા આદેશ આપ્યો છે.

આ પગલા પાછળનો હેતુ ઈરાનને આર્થિક રીતે નબળું પાડવાનો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોમાં પેચ ફસાયેલો હોવાથી વિશ્વનો 20 ટકા તેલ પુરવઠો જે માર્ગે પસાર થાય છે તે હોર્મુઝની સામુદ્રધુની હજુ લાંબો સમય બંધ રહી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. હોર્મુઝ બ્લોકેજ અને ઈરાક પાસેથી સપ્લાય બંધ થવા છતાં, રશિયા, સાઉદી, ઓમાન અને વેનેઝુએલા સાથેના મજબૂત વેપારને કારણે ભારતની ઊર્જા સુરક્ષા જોખમાઈ નથી. હવે ઓપેકમાં ભંગાણ બાદ ભારતને તેલ ક્ષેત્રે વધુ આર્થિક ફાયદો થવાની આશા છે.

સંબંધિત લેખો

Most Popular