1. Home
  2. ગુજરાતી
  3. એશિયાની જીવાદોરી સમાન હિમાલયના ગ્લેશિયર જોખમમાં: બે દાયકામાં 27800 કરોડ ટન બરફ ઓગળ્યો
એશિયાની જીવાદોરી સમાન હિમાલયના ગ્લેશિયર જોખમમાં: બે દાયકામાં 27800 કરોડ ટન બરફ ઓગળ્યો

એશિયાની જીવાદોરી સમાન હિમાલયના ગ્લેશિયર જોખમમાં: બે દાયકામાં 27800 કરોડ ટન બરફ ઓગળ્યો

0
Social Share

નવી દિલ્હી, 29 એપ્રિલ 2026: એશિયાના કરોડો લોકો માટે મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાતા હિમાલય, તિબેટના ઉચ્ચપ્રદેશ અને તેની આસપાસની પર્વતમાળાઓમાં આવેલા ગ્લેશિયર્સ (હિમનદીઓ) અત્યંત ઝડપથી પીગળી રહ્યા છે. વૈજ્ઞાનિકોના તાજેતરના અભ્યાસ મુજબ, ‘હાઈ માઉન્ટેન એશિયા’ ક્ષેત્રમાંથી દર વર્ષે સરેરાશ 1390 કરોડ ટન બરફ અદ્રશ્ય થઈ રહ્યો છે. છેલ્લા 20 વર્ષના આંકડા જોઈએ તો અત્યાર સુધીમાં અંદાજે *27800 કરોડ ટન બરફ પીગળી ચૂક્યો છે, જે પર્યાવરણ અને જળ સુરક્ષા માટે ગંભીર ખતરાની ઘંટડી છે.

‘હાઈ માઉન્ટેન એશિયા’ ને એશિયાના ‘હિમ જળ ભંડાર’ તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્લેશિયર્સ ભારતની ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા ઉપરાંત મેકોંગ, યેલો અને યાંગ્ત્ઝે જેવી મોટી નદીઓને આખું વર્ષ પાણી પૂરું પાડે છે. આ નદીઓ પર ભારત, ચીન, પાકિસ્તાન અને નેપાળ સહિતના દેશોના કરોડો લોકોની આજીવિકા, ખેતી અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સ નિર્ભર છે. ગ્લેશિયર પીગળવાથી ભવિષ્યમાં પીવાના પાણીની તીવ્ર અછત સર્જાઈ શકે છે.

નાસાના ‘ગ્રેસ મિશન’ ના સેટેલાઈટ ડેટા અને ક્લાઈમેટ મોડલ્સના વિશ્લેષણ માટે વૈજ્ઞાનિકોએ આધુનિક મશીન લર્નિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. પ્રતિષ્ઠિત જર્નલ ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’માં પ્રકાશિત આ અભ્યાસ અનુસાર વર્ષ 2002થી 2023 વચ્ચે દર વર્ષે 13.9 ગીગાટન બરફ ઓગળ્યો છે. જો ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન આ જ ગતિએ ચાલુ રહ્યું, તો બરફ પીગળવાની આ ઝડપ વધીને વાર્ષિક 1950 કરોડ ટન સુધી પહોંચી શકે છે.

આ પ્રદેશ અંદાજે 50 લાખ ચોરસ કિમીમાં ફેલાયેલો છે, જેમાં હિમાલય, કારાકોરમ, હિંદુ કુશ અને પામીર જેવી વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળાઓનો સમાવેશ થાય છે. અહીં 95000 થી વધુ ગ્લેશિયર્સ આવેલા છે. બરફ ઝડપથી પીગળવાને કારણે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ એટલે કે હિમનદીના સરોવરો ફાટવા જેવી કુદરતી આપત્તિઓનું જોખમ પણ સતત વધી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ ફેરફાર માત્ર પર્વતો પૂરતો સીમિત નથી. તે કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લાખો લોકોના અસ્તિત્વ સાથે જોડાયેલો છે. જો વૈશ્વિક તાપમાન પર કાબૂ મેળવવામાં નહીં આવે, તો આગામી દાયકાઓમાં એશિયાના દેશોએ ભયાનક જળ સંકટ અને પૂર જેવી સ્થિતિનો સામનો કરવો પડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code