1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. નાસ્તામાં બનાવો પ્રોટીન અને આયર્નથી ભરપૂર ટેસ્ટી મગ પાલકની પૂરી
નાસ્તામાં બનાવો પ્રોટીન અને આયર્નથી ભરપૂર ટેસ્ટી મગ પાલકની પૂરી

નાસ્તામાં બનાવો પ્રોટીન અને આયર્નથી ભરપૂર ટેસ્ટી મગ પાલકની પૂરી

0
Social Share

જો તમે દરરોજ સવારે એ જ પરોઠા અને બોરિંગ નાસ્તો ખાઈને કંટાળી ગયા છો અને કંઈક એવું ટ્રાય કરવા માંગો છો જે સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ હોય, તો ‘મગ પાલકની પૂરી’ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. મગની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે, જ્યારે પાલકમાં આયર્નનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જ્યારે તમે આ બંને સુપરફૂડના કોમ્બિનેશનથી આ પૂરી તૈયાર કરો છો, ત્યારે તે શરીરને માત્ર તાકાત જ નથી આપતી, પરંતુ લાંબા સમય સુધી શરીરને નોન-સ્ટોપ એનર્જી પણ પૂરી પાડે છે. જો તમે તમારા બાળકોના લંચ બોક્સ માટે કોઈ હેલ્ધી સ્નેકની શોધમાં છો, તો આ એક ઉત્તમ ચોઇસ છે. આ ડિશની ખાસ વાત એ છે કે તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને મિનિટોમાં તૈયાર થઈ જાય છે. તમે તેને સવારના નાસ્તામાં, લંચ બોક્સમાં કે સાંજે હળવી ભૂખ સંતોષવા માટે બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેની સરળ રેસિપી.

  • મગ પાલક પૂરી બનાવવા માટેની જરૂરી સામગ્રી:

પલાળેલી મગની દાળ: 1કપ
પાલક (ઝીણી સમારેલી અથવા પેસ્ટ): 1 કપ
લીલા મરચાં: 1-2
આદુ: 1 નાનો ટુકડો
ઘઉંનો લોટ: 2 કપ
જીરું: અડધી ચમચી
હળદરઃ પા ચમચી
લાલ મરચું પાવડર: અડધી ચમચી
નમક: સ્વાદ અનુસાર
તેલ: પૂરી તળવા માટે

  • મગ પાલક પૂરી બનાવવાની એકદમ સરળ રીત:

મગ પાલક પૂરી બનાવવા માટે સૌ પ્રથમ મગની દાળને 3 થી 4 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ દાળને બરાબર ધોઈ લો અને લીલા મરચાં તેમજ આદુ સાથે મિક્સરમાં ઉમેરી થોડી કરકરી (મોટી) પેસ્ટ બનાવી લો. હવે પાલકને પણ બરાબર ધોઈને ઝીણી સમારી લો અથવા તેની પેસ્ટ તૈયાર કરી લો. હવે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં મગની દાળની પેસ્ટ અને પાલક ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં નમક, હળદર, લાલ મરચું અને જીરું ઉમેરો. હવે જરૂર મુજબ થોડું-થડું પાણી ઉમેરતા જઈને પૂરી જેવો કઠણ લોટ બાંધી લો. લોટ બંધાઈ ગયા પછી તેને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને સેટ થવા મૂકી દો. લોટ બરાબર સેટ થઈ જાય એટલે તેમાંથી નાની-નાની લોઈ (લુઆ) બનાવી લો અને તેને ગોળ પૂરીની જેમ વણી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય એટલે પૂરીને મીડિયમ આંચ પર ગોલ્ડન બ્રાઉન અને ફૂલેલી થાય ત્યાં સુધી તળી લો. પૂરી બંને બાજુથી બરાબર શેકાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. આ ગરમાગરમ ક્રિસ્પી ‘મગ પાલકની પૂરી’ને તમે બટાકાનું રસાવાળું શાક, મસાલા દહીં, રાયતું અથવા અથાણાં સાથે સર્વ કરી શકો છો. સ્વાદ અને સ્વાસ્થ્યનો આ અનોખો સંગમ આખા પરિવારને ચોક્કસ પસંદ આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code