Site icon Revoi.in

સુરતમાં ફેમસ થવા તલવારથી કેક કાપી ભાઈગીરી કરતી રિલ બનાવી, 5ની ધરપકડ

Social Share

સુરતઃ આજે સોશ્યલ મીડિયાના જમાનામાં યુવાનો રિલ બનાવીને ફેમસ થવાના મોહમાં એવી હરકતો કરી બેસતા હોય  છે કે, તેના લીધે યુવાનો મુશ્કેલીમાં મુકાતા હોય છે. આવો જ એક બનાવ શહેરના ભેસ્તાન વિસ્તાર બન્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે ભાઈગીરીનો વીડિયો બનાવનારા પાંચ યુવકોને ભેસ્તાન પોલીસે ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે. પાંચ યુવકોએ ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરીને જાહેરમાં સિગારેટ અને દારૂની બોટલ લઈ નાસી રહ્યાં હતાં. આ સાથે જ એક યુવકે તલવાર વડે કેક કાપી ભાઈગીરી બતાવવા મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો. આ વાઇરલ વીડિયોના આધારે પોલીસે 5 યુવાનોને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.

આ બનાવની વિગતો એવી હતી કે, શુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં વર્ષ 2022માં 5 યુવાનોએ સ્ટંટ કરતી રિલ બનાવી હતી અને તાજેતરમાં તેને સોશ્યલ મીડિયા પર રિલિઝ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાઈ છે કે, યુવકો ફિલ્મી સ્ટાઇલમાં ટુ-વ્હીલર પર એન્ટ્રી લે છે. પોતે મોટોભાઈઓ હોય તે પ્રકારે પોતાને પ્રદર્શિત કરતા દેખાયા હતા. આ સાથે જ તલવાર વડે કેક કાપી અન્ય યુવકનું છરી મારી મર્ડરનો સિન ક્રિએટ કર્યો હતો. આ સાથે અન્ય યુવકના ગળા પર તલવાર રાખી હતી. આ વીડિયો મે, 2022માં બનાવાયો હતો, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર ફરી વાઇરલ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા  વીડિયોને ધ્યાનમાં લઈ ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તરત જ યુવકોને શોધવાની કામગીરી શરૂ કરી હતી. વીડિયો અનુસંધાને તપાસ કરતા જાણવા મળ્યું કે, આ યુવકો ભેસ્તાનના ઉનપાટિયા વિસ્તારમાં રહે છે. પોલીસે તેમના સરનામા પર તપાસ કરી અને તમામ આરોપીઓને પકડી પાડ્યા હતાં.

ભેસ્તાન પોલીસે  સ્ટંટ કરતા 5 યુવાનો  અઝહર ઉર્ફે સોનુ ગુલાબ પિંજારી (ઉં.વ. 21), ધંધો: નોકરી, રહે: બિસ્મિલ્લા નગર, ઉનપાટિયા ,  જુનેદ ઇરફાન પિંજારી (ઉં.વ. 19), ધંધો: નોકરી, રહે: બિલાલ નગર, ઉનપાટિયા,  આફતાબ સુપડુ પિંજારી (ઉં.વ. 19), ધંધો: મજૂરી, રહે: બિલાલ નગર, ઉનપાટિયા ,  રીઝવાન યુસુફ પિંજારી (ઉં.વ. 22), ધંધો: મજૂરી, રહે: બિસ્મિલ્લા નગર, ઉનપાટિયા અને  શોયેબ શમસુદ્દીન પિંજારી (ઉં.વ. 23), ધંધો: ટેલર, રહે: રેશ્મા નગર, ઉનપાટિયાની ધરપકડ કરી હતી. આરોપી અઝહર અને જુનેદ વિરુદ્ધ હથિયારબંધ જાહેરનામા ભંગના ગુનાના કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ યુવકો પર શાંતિ ભંગ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ બાદ તમામ યુવકોએ પોતાની ભૂલ માટે માફી માંગી હતી અને કહ્યું કે, આ વીડિયો જૂનો હતો. તેમણે પોલીસને વચન આપ્યું કે, તેઓ ફરી ક્યારેય આવા જોખમી વીડિયો બનાવી લોકોને ગુમરાહ નહીં કરે. ભેસ્તાન પોલીસે આ પ્રસંગે તમામ યુવાનોથી સોશિયલ મીડિયા પર યોગ્ય અને કાયદેસર રીતે વર્તન કરવાનો આગ્રહ રાખ્યો. ભવિષ્યમાં આવા વીડિયો બનાવતા પકડાશે તો કડક પગલાં લેવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી.