રસોઈનો સ્વાદ વધારશે ટામેટાં, જાણો આ 4 ટેસ્ટી અને સરળ રેસીપી
રસોઈમાં ટામેટાં વગરની ગ્રેવી કે સલાડ અધૂરા ગણાય છે. ટામેટાંનો કુદરતી ખાટો-મીઠો સ્વાદ રસોઈમાં એક અલગ જ નિખાર લાવે છે. સામાન્ય રીતે આપણે ટામેટાંનો ઉપયોગ દાળ, શાક કે ગ્રેવીમાં કરીએ છીએ, પરંતુ જો તમે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ, તો ટામેટાંમાંથી અનેક લાજવાબ વાનગીઓ તૈયાર થઈ શકે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ટામેટાંમાંથી બનતી કેટલીક લોકપ્રિય રેસીપી.
-
ટામેટાંની ખાટી-મીઠી ચટણી
ટામેટાંની ચટણી રોટલી કે પરાઠા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચટણી બનાવવા માટે સૌથી પહેલા પાકા ટામેટાંને ધોઈને ઝીણા સમારી લો. એક પેનમાં તેલ ગરમ કરી જીરું નાખો. જીરું તતડે એટલે ટામેટાં ઉમેરો. તેમાં મીઠું, લાલ મરચું પાવડર અને થોડી ખાંડ (અથવા ગોળ) નાખો. ટામેટાં બરાબર ચઢી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો.
-
ગરમાગરમ ટોમેટો સૂપ
સાંજે કે રાત્રે હળવા ખોરાક તરીકે ટોમેટો સૂપ બેસ્ટ છે. આ બનાવવા માટે ટામેટાં અને ડુંગળીને મોટા ટુકડામાં સમારી લો. એક પેનમાં થોડું માખણ લઈ ડુંગળી સાંતળો, ત્યારબાદ તેમાં ટામેટાં ઉમેરો. મીઠું, મરી પાવડર અને લીલા ધાણા નાખી ધીમી આંચ પર પકાવો. મિશ્રણ ઠંડું પડે એટલે મિક્સરમાં પીસી લો. તૈયાર સૂપને ફરીથી ગરમ કરી ઉપરથી ફ્રેશ ક્રીમ ઉમેરી સર્વ કરો.
-
ટામેટાંના ક્રિસ્પી ભજીયા
જો નાસ્તામાં કંઈક નવું ખાવું હોય, તો ટામેટાંના પકોડા એક ઉત્તમ વિકલ્પ છે. આ ભજીયા બનાવવા માટે ટામેટાંના ગોળ અને જાડા સ્લાઈસ કરી લો. એક બાઉલમાં બેસન, લાલ મરચું, હળદર, મીઠું અને આદુ-મરચાંની પેસ્ટ નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરો. ટામેટાંના ટુકડાને આ ખીરામાં ડબોળી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
-
પનીર સ્ટફ્ડ ‘ભરવા ટામેટાં’નું શાક
મેહમાનો માટે ખાસ વાનગી બનાવવી હોય ત્યારે આ રેસીપી જરૂર ટ્રાય કરો. આ શાક બનાવવા માટે ટામેટાંને ઉપરથી કાપી અંદરનો ભાગ કાઢી લો. એક વાટકીમાં છીણેલું પનીર, લીલા મરચાં, ધાણા, મીઠું અને ગરમ મસાલો મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. આ મિશ્રણને ટામેટાંની અંદર ભરો. એક પેનમાં તેલ ગરમ કરી આ ટામેટાંને ધીમી આંચ પર ઢાંકીને પકાવો. ટામેટાં નરમ થાય એટલે તેને પરાઠા કે કુલચા સાથે સર્વ કરો.


