
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ કોરોના સંક્રમિત બન્યાઃ સચિવાલયમાં સોંપો
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના સ્વર્ણમ સંકુલમાં રાજ્યભરનો વહિવટ ચલાવવામાં આવે છે ત્યાં જ કોરોનાએ મંત્રીઓ અને અધિકારીઓને ઝપટમાં લાધા છે. આજે સરકારના વધુ એક કેબિનેટ મંત્રી કોરોનાં પોઝિટિવ આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ થયા છે. હાલ તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
રાજ્યનો જ્યાંથી વહીવટ ચાલે છે તે સચિવાલય પણ કોરોનાથી બાકાત રહ્યું નથી. અત્યાર સુધીમાં પાચેક જેટલા મંત્રીઓ ,ધારાસભ્યો , સનદી અધિકારી તેમજ સુરક્ષાકર્મીઓ કોરોનાનો ભોગ બન્યા છે ,પરિણામે સચિવાલયમાં સોપો પડી ગયો છે .મોટાભાગના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ બિનજરૂરી સચિવાલય આવવાનું ટાળી રહ્યા છે. કોરોનાના વધી રહેલા આક્રમણ વચ્ચે રાજ્યનું વહીવટી તંત્ર કોરોનાની મહામારીને નાથવા તમામ પ્રયાસો કરી રહ્યું છે ત્યારે મંત્રીઓ અને અધિકારીઓ જ આ સંક્રમણનો શિકાર થઈ રહ્યા છે પરિણામે રાજ્ય સરકાર ની સ્થિતિ એક સાંધતા તેર તૂટે તેવી થઈ છે.તો બીજી બાજુ રાજય સરકાર દ્વારા તમામ સેક્રેટરીઓને ફિલ્ડમાં જવાના આદેશ આપ્યા છે પોલીસ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે, સિનિયર આઈએએસ અધિકારીઓ પાંચ દિવસ સુધી જિલ્લાઓમાં રહેશે તેવા આદેશના પગલે સચિવાલય સુમસામ બન્યું છે. સરકારી કામકાજ ખોરવાયું છે
સચિવાલયમાં ખૂબ જ સિનિયર અને કાર્યદક્ષ અધિકારી ગણાતા મહેસુલ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર ઉદ્યોગ ભવનમાં બેસતા એમ.એસ.એમ.ઈ કમિશનર અને સિંચાઈ વિભાગના એમ કે જાદવ તેમજ ઉદ્યોગ ભવન માં બેસતા રણજીત કુમાર પણ કોરોનાની ઝપટે ચડયા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયમાં અને નાયબ મુખ્યમંત્રી કાર્યાલયમાં વધુ ચાર કર્મચારીઓ કોરોના પોઝિટિવ બન્યા છે. વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન અગાઉ પાંચ મંત્રીઓ સહિત 20 થી વધુ ધારાસભ્યો અને સરકારના મહત્વના વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી કક્ષાના 256 થી વધુ અધિકારીઓ ને કોરોના થયો હતો. છેલ્લા એક વર્ષથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી માટે થઈને કાર્યક્ષમ રીતે કામ કરતા એસીએસ પંકજકુમાર અમદાવાદ સિવિલમાં અનેક બેઠકો યોજી ચૂક્યા છે. આમ છતાં તેઓ મુક્ત રહ્યા હતા પરંતુ વિધાનસભામાં થયેલા કોરોના વિસ્ફોટની શૃંખલામાં પોઝિટિવ આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉદ્યોગ ભવનમાં બેસતા કમિશનર રણજીત કુમાર અને તેમની સાથે બેસતા અંગત મદદનીશ સહિત અને અધિકારીઓને કોરોના પોઝિટિવ બન્યા હોવાનું કહેવાય છે.