Site icon Revoi.in

સાસણગીરના નેચરલપાર્કમાં વનરાજોને નિહાળવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Social Share

જુનાગઢઃ દિવાળીના તહેવારો અને વેકેશનને લીધે રાજ્યના તમામ પર્યટન અને ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓને ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે વિશ્વવિખ્યાત અને એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર સાસણગીર પણ હાલ પ્રવાસીઓનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. અને વનરાજોને નિહાળીને પ્રવાસીઓએ રોમાંચ અનુભવી રહ્યા છે.

વેકેશન પડે એટલે વન અને સિંહ પ્રેમીઓને ગીરનું જંગલ દેખાતું હોય છે, પ્રકૃતિના ખોળામાં વસેલું ગીર કે જ્યાં કોઈ પણ વ્યક્તિ આવે એટલે ખુશખુશાલ થઈ જાય છે કારણ કે આ ગીરની લીલુડી ધરતીમાં પ્રકૃતિ અને પરમેશ્વરનો અલગ નાતો છે. ત્યારે હાલ બાળકોના દિવાળી વેકેશન દરમિયાન નવા વર્ષની શરૂઆતમાં સાસણગીરમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતનું પ્રસિદ્ધ ટુરિઝમ સ્થળ એટલે સાસણગીર કે જે ડાલામથ્થાઓનું ઘર મનાય છે. હાલ મિની વેકેશનની સિઝનમાં હજારોની સંખ્યામાં લોકો સાસણગીર ખાતે ઉમટી પડ્યા છે. ગીરના ડાલામથ્થાને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ રહ્યા છે.

નૂતન વર્ષ અને આજે ભાઈબીજના દિને સાસણગીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા. ત્યારે ગીર નેશનલ પાર્કમાં જુદી જુદી જગ્યાએ ક્યાંક એક બે તો ક્યાંક સિંહનું ગ્રુપ પણ જોવા મળ્યું હતું, પ્રવાસીઓએ સિંહોને નિહાળવાનો નજીકથી લ્હાવો માણ્યો હતો, તેમજ દીપડા, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા. ફક્ત સિંહ જોઈને નહીં પરંતુ સાસણગીરમાં વન વિભાગની કામગીરી અને વ્યવસ્થાને લઈને પ્રવાસીઓએ કહ્યું કે, એકવાર તો ગીરની મુલાકાત લેવી જ જોઈએ.

સાસણગીરમાં આખા વર્ષ દરમિયાન સૌથી વધુ પ્રવાસીઓનો ઘસારો તહેવાર અને વેકેશનની સિઝનમાં જોવા મળે છે, ત્યારે હાલ પણ ગીરની લીલોતરી અને વાતાવરણથી પ્રવાસીઓ પ્રભાવિત થઈ રહ્યા છે. ગીરના ડાલામથ્થાને જોવાનો અને તેની સાથે ગીર વિશે જાણવું પણ એક અનોખો લ્હાવો છે, તેવું અહીં આવેલા પ્રવાસીઓનું કહેવું છે.

Exit mobile version