Site icon Revoi.in

કચ્છના ધોરડો સહિતના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Social Share

ભૂજઃ હાલ ઉત્તરાણની રજાઓને લીધે કચ્છમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. તમામ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ચમકેલા ધોરડોના સફેદ રણમાં રણોત્સવ ચાલી રહ્યો છે અને આજે સોમવારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો, કાલે મંગળવારે મકરસંક્રાંતિને લઇને પ્રવાસીઓના કારણે ટેન્ટસિટી સહિત આસપાસના વિસ્તારમાં આવેલી તમામ હોટેલો હાઉસફૂલ થઇ ગઇ છે.

ગુજરાતમાં સરકારી કચેરીઓમાં તા.11-01ના બીજા શનિવારની રજા, તા.12-01ના રવિવારની જાહેર રજા અને વચ્ચે એકમાત્ર સોમવાર બાદ મંગળવારે ફરી મકરસંક્રાંતિની રજા હોઇ અધિકારીઓ, કર્મચારીઓ સોમવારે રજા મૂકી દઇ ફરવા માટે નીકળી પડ્યા છે. શનિવારથી જ કચ્છના ધોરડો ખાતે સફેદ રણ માણવા માટે આવતા પ્રવાસીઓની સંખ્યા વધી ગઇ છે અને ટેન્ટસિટી અને છેક ભીરંડિયારા સુધી આવેલી તમામ હોટેલો પ્રવાસીઓથી ઉભરાઇ રહી છે. ખાસ કરીને ધોરડો, રોડ ટુ હેવન, ધોળાવીરા તેમજ જિલ્લા મથક ભુજમાં આવેલા પ્રાગમહેલ, છતરડી સહિતના વિસ્તારો અને જિલ્લાના માંડવી, ધાર્મિક સ્થળો માતાના મઢ, હાજીપીર, નારાયણ સરોવર, કોટેશ્વર વગેરે સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.

કચ્છમાં તમામ પ્રર્યટન સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. આજે સોમવારે ધોરડોના સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બેલારૂસ, ભૂતાન, કોલમ્બિયા, ડેનમાર્ક, હંગરી, ઇન્ડોનેશિયા, માલ્ટા, સ્લોવેનિયા, ટ્યુનિશિયા, તુર્કી સહિત 11 દેશના પતંગબાજો અવનવા પતંગો સાથે પેચ લડાવ્યો હતો. પતંગોત્સવ નિહાળવા માટે માનવ મહેરામણ ઉમટી પડશે. અહીં આવતા પ્રવાસીઓને કોઇ અડચણ ન થાય તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઇ છે.