Site icon Revoi.in

અમદાવાદ-મુંબઈ હાઈવે પર આજવા ચોકડીથી દૂમાડ સુધી ફરી ટ્રાફિકજામ સર્જાયો

Social Share

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દિવાળીના તહેવારોને લીધે ટ્રાફિકમાં વધારો થયો છે. જેના કારણે કેટલાક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય પહેલા વડોદરાના જામ્બુઆ બ્રિજ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવતા હતા, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી હાઈવે  પર આજવા ચોકડીથી દુમાડ ચોકડી તરફ 3 કિલોમીટરનો ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. જેના કારણે વાહનચાલકોની હાલત કફોડી બની છે.

વડોદરા નજીક નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો હવો તો રોજિદા બની ગયા છે. ટ્રાફિક જામના લીધે હાઈવે વાહનચાલકો તો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પણ આજુબાજુની સાસોયટીઓના રહીશો પણ પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા કેટલાય સમય પહેલા વરસાદની સિઝનમાં રોડ પર ખાડા પડવાના કારણે વાહનો ધીમે ચાલી રહ્યા હતા, પરંતુ હાલમાં પરિસ્થિતિ ક્યાંક અલગ છે. ચોમાસુ વીતે ઘણા દિવસો થયા છતાં હજુ ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે. અવાર નવાર સર્જાતા ટ્રાફિકના કારણે અનેક વાહનચાલકો અને મુંબઈથી આવતા વાહનચાલકો અંકલેશ્વર, ભરૂચ અને હવે વડોદરા પાસે ટ્રાફિકમાં ફસાતા ભારે રોષ ઠાલવી રહ્યા છે.

વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પર આજવા ચોકડીથી દુમાડ તરફ અમદાવાદ જતા વાહનો બેથી ત્રણ કલાક ફસાયેલા જોવા મળ્યા હતા. વાહનોની લાંબી કતારો વચ્ચે ચાલકો ફસાયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ હતી. ગોલ્ડન ચોકડી પાસે ટ્રાફિક વધુ હોવાથી ટ્રાફિક પોલીસ વાહનો રોકી ટ્રાફિક ક્લિયર કરાવતી હોવાથી વધુ ટ્રાફિક જામ થઈ રહ્યો હતો. આ સમસ્યાને લઈ હાલમાં ભારદારી વાહનો લઈને આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.