સુરેન્દ્રનગર, 22 મે, 2026 : Traffic jam for 5 km due to simultaneous repair work of two bridges અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક બે બ્રિજની એક સાથે મરામતની કામગીરી હાથ ધરવામાં આવતા ટ્રાફિક જામ થતાં વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ગઈકાલે 5 કીમી સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા કોઈ યોગ્ય ટ્રાફિક પ્લાનિંગ કે વૈકલ્પિક ડાયવર્ઝન રોડની વ્યવસ્થા કર્યા વગર આ કામગીરી શરૂ કરવામાં આવતા ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક બે બ્રિજના એકસાથે રીપેરીંગ કામ શરૂ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાણપાના બોર્ડ પાસેના બ્રિજ અને જાની વડલા બ્રિજ પર એકસાથે કામગીરી શરૂ થવાથી 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા કોઈ યોગ્ય ટ્રાફિક પ્લાનિંગ કે વૈકલ્પિક ડાયવર્ઝન રોડની વ્યવસ્થા કર્યા વગર આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના પરિણામે હાઈવેનો મોટો ભાગ વન-વે જેવી સ્થિતિમાં ફેરવાઈ જતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. કલાકો સુધી વાહનો અટવાઈ જતાં મુસાફરો, ખાનગી વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોમાં રોષ જોવા મળ્યો હતો. ગરમી વચ્ચે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો કલાકો સુધી વાહનોમાં ફસાયા હતા. ઘણા મુસાફરોને પીવાના પાણી અને ખાવા-પીવાની પણ તકલીફ પડી હતી.
રાજ્યમાં ડીઝલની તંગી વચ્ચે કલાકો સુધી વાહનો ચાલુ-બંધ રાખવાની ફરજ પડતાં હજારો લિટર ઈંધણનો બગાડ થયો હોવાનું વાહનચાલકોએ જણાવ્યું હતું. દૂધ, શાકભાજી અને દવાઓ લઈને જતા સપ્લાય વાહનો પણ ટ્રાફિકમાં અટવાઈ જતા માલ બગડવાની ભીતિ ઊભી થઈ હતી. વાહનચાલકો અને સ્થાનિક લોકોએ માંગ કરી છે કે બંને બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને યોગ્ય ડાયવર્ઝન વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી લોકોને રાહત મળી શકે. આ ઘટનાએ હાઈવે ઓથોરિટીના આયોજન અને કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

