- 780 મીટરના એલ આકારના બ્રિજ માટે રૂપિયા 98 કરોડનો ખર્ચ કરાશે
- ફ્લાઈઓવર બ્રિજની કામગીરીને લીધે ત્રણ તબક્કામાં ડાયવર્ઝન
- એસટી બસ સહિત ભારે વાહનો પાલડીથી મહાલક્ષ્મી થઈ અંજલી ક્રોસ રોડથી નહેરૂનગરના રૂટ પર જશે
અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ રોજબરોજ વધારો થઈ રહ્યો છે. તેના લીધે તમામ રસ્તાઓ પર ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. શહેરના લો ગાર્ડનથી પંચવટી થઈને સીએન વિદ્યાલય સુધી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રૂપિયા 98 કરોડના ખર્ચે ફ્લાઈ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજ બન્યા બાદ રોજના દોઢ લાખ કરતા વધુ વાહનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના લો-ગાર્ડનથી પંચવટી જંકશનથી ગીતા સર્કલ થઈ CN વિદ્યાલય સુધી એલ આકારમાં 780 મીટરનો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. રૂપિયા 98 કરોડના ખર્ચે બનતા આ બ્રિજની કામગીરી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ બ્રિજની કામગીરીને લઈ ત્રણ તબક્કામાં રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં આંબાવાડીથી લઈ સીએન વિદ્યાલય તરફનો રોડ બંધ કરાયો છે. ST બસ, ખાનગી ટ્રાવેલ્સો, AMTS અને અન્ય ભારે વાહનોને પાલડી બસ સ્ટેન્ડથી મહાલક્ષ્મી થઈ અંજલી ક્રોસ રોડથી નહેરૂનગરનો વૈકલ્પિક રૂટ અપાયો છે. હાલ બ્રિજની કામગીરીને લઈ રસ્તા પર પતરા લગાવી દેવામાં આવ્યા છે.
બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના લો-ગાર્ડનથી પંચવટી થઈ આંબાવાડી સર્કલ થઈ સીએન વિદ્યાલય સુધી 98.18 કરોડના ખર્ચે આ બ્રિજ દોઢ વર્ષમાં તૈયાર થશે. બ્રિજ બન્યા બાદ રોજના દોઢ લાખ કરતા વધુ વાહનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. જેમાં 69 હજાર જેટલા ટુવ્હીલર અને 31 હજાર જેટલી ફોર વ્હીલર આ રૂટ પરથી પસાર થતી હોવાથી બ્રિજ બન્યા બાદ તેમને ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવામાંથી છૂટકારો મળશે. આ ઉપરાંત 13 હજાર જેટલી રિત્રા પણ આ રૂટ પરથી જ પસાર થતી હોવાથી તેમને પણ રાહત મળશે. આ બ્રિજ 17 મીટર પહોળો અને અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી બ્રિજ તૈયાર કરાશે. (File photo)

