જમશેદપુર, 24 સપ્ટેમ્બર 2026: ઝારખંડના જમશેદપુરમાં સવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી સહિત ચાર લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, આ દુઃખદ અકસ્માત જમશેદપુરમાં નેશનલ હાઈવે પર થયો હતો. મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગુરુવારે સવારે લગભગ 3 વાગ્યે મરીન ડ્રાઈવ વિસ્તારમાં થયો હતો. પુરપાટ ઝડપે આવતી એક સફેદ કાર રસ્તાની બાજુમાં પહેલેથી જ ઊભેલા ટ્રકના પાછળના ભાગ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કારને ભારે નુકસાન થયું હતું. અહેવાલ મુજબ, કારમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
અહેવાલો અનુસાર, રાત્રે લગભગ 10 વાગ્યાથી સોનારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મરીન ડ્રાઈવ રોડ પર એક ટ્રેલર ખરાબ થઈ જવાથી અટકી પડ્યું હતું. વહેલી સવારે, પૂરપાટ ઝડપે આવતી એક કાર પરથી ચાલકે કાબૂ ગુમાવ્યો અને તે ટ્રેલરના પાછળના ભાગ સાથે અથડાઈ. આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કુરચો વળી ગયો અને તેમાં સવાર ચારેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં.
મૃતકોમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી ત્રિશા સિંહ તેમજ સાર્થક અગ્રવાલ, નમન ગુપ્તા અને વંશિકા ખંડેલવાલનો સમાવેશ થાય છે. પોલીસે મૃતકોના પરિવારોને આ ઘટના વિશે જાણ કરી છે.
ઝારખંડ કોંગ્રેસનાં અગ્રણી નેતા દીપિકા પાંડે સિંહ
ઉલ્લેખનીય છે કે દીપિકા પાંડે સિંહ ઝારખંડના એક અગ્રણી કોંગ્રેસ નેતા છે. તેઓ હાલમાં ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ, ગ્રામીણ કાર્ય અને પંચાયતી રાજ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ગોડ્ડા જિલ્લાની મહાગમા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય છે અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય સચિવ તરીકે પણ જવાબદારી સંભાળે છે. ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબેએ પણ અકસ્માતમાં તેમની પુત્રીના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.
વધુ વાંચો: પૂર્વી તુર્કિયેમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ, 10 કિમી ઊંડાઈએ કેન્દ્રબિંદુ


