
ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીના મોત અંગે આદિવાસી સમાજ દ્વારા કાલે ડાંગ બંધનું એલાન
નવસારીઃ જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શંકાસ્પદ આરોપીઓના પોલીસની કસ્ટડીમાં મોત નિપજતા આ મામલે રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યો દ્વારા આજે રવિવારે બે મૃતકો પૈકીના એક યુવકના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. અને આવતીકાલે સોમવારે અપાયેલા ડાંગ બંધના એલાનને પણ કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત નિપજતા મૃતકના પરિવારજનો પોલીસના થર્ડ ડિગ્રી સ્ટોર્ચરના કારણે મોત નિપજ્યાનો આક્ષેપ કરી રહ્યા છે. મૃતક યુવાનો સુનિલ પવાર અને રવિ જાદવ ના પરિવારો આપઘાત આ અંગે શંકા સેવી રહ્યા છે, સાથે જ તમામ કસૂરવારોને માત્ર સસ્પેન્ડ કરવાથી કામ નહીં ચાલે પણ તેમના વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ મૃતકના પરિવારો અને આદિવાસી સમાજ કરી રહ્યો છે. ત્યારે આજે વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત આદિવાસી સમાજના આગેવાનો રવિ જાદવ ના ઘરે દોરીપાડા ગામ જઈને પરિવારને સાંત્વના આપી હતી અને મૌન પાળી બંન્ને મૃતકના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
સમગ્ર આદિવાસી સમાજ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે એક જૂથ થઈને આવતીકાલે સોમવારે ડાંગ બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે આ મામલે ધારાસભ્યોએ પણ બંધને સમર્થન આપી તમામ આદિવાસીઓને એકજૂટ થવા હાકલ કરી હતી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા મુજબ મૃતક યુવાનોને ન્યાય અપાવવા માટે અમે જિલ્લા પોલીસ વડા કચેરી તથા કલેકટર કચેરી આવેદન આપ્યુ છે. અને આજે અમે પીડિત પરિવારના ઘરે તેમને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. અહીં કેટલાક આગેવાનો દ્વારા પીડિત પરિવારને લોભ લાલચ અને ધાક ધમકી આપે છે તેમને અમે જણાવવા માંગીએ છે કે સમગ્ર ગુજરાતના આદિવાસીઓ આ પરિવારની સાથે છે ચીખલી પોલીસે નોંધેલી FIR શંકાના દાયરામાં છે તેના પર અમને વિશ્વાસ નથી પોલીસે જવાબદારો સામે સસ્પેન્શનની કામગીરી કરી તેમાં અમે ખુશ નથી તેમના વિરુદ્ધ એટ્રોસિટીની કલમ તથા માનવવધનો ગુનો દાખલ થાય તો જ મૃતકોને ન્યાય મળશે.માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીના જણાવ્યા મુજબ આ માત્ર ડાંગની ઘટનાનો સવાલ નથી, સમગ્ર ગુજરાતમાં આદિવાસીઓ સાથે ભેદભાવ પૂર્ણ વર્તન થાય છે તેની સાબિતી આપે છે આદિવાસીઓ જળ જંગલ અને જમીન ના હકો માંગે તો તમને નક્સલ સાબિત કરવામાં આવે છે અંબાજીથી ઉમરગામ સુધી વસેલા આદિવાસીઓ પર અત્યાચારો કરવામાં આવે છે આવતીકાલે ડાંગ બંધનું એલાન આપ્યું છે ત્યારે તમામ વેપારીઓને અને ડાંગ સમુદાયને અપીલ કરીએ છીએ કે આપણા સમાજના દુઃખમાં સહભાગી બનો અને અન્યને પણ અપીલ કરવામાં આવે છે કે જો વેપાર-ધંધા બંધ નહીં થાય તો આદિવાસી સેના તેમની રીતે કામ કરશે.