અમદાવાદ, 30 જાન્યુઆરી 2026: આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું ઉદ્ઘાટન સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ વેચાણ અને પ્રદર્શન મેળો આગામી તા. 03 ફેબ્રુઆરી સુધી યોજાશે.
આ મેળામાં તમામ આદિવાસી ભાઈ-બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અહી દરરોજ રાત્રે પ્રખ્યાત આદિવાસીઓ નૃત્ય ટીમો દ્વારા વિવિધ આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ કરશે તેમજ કુલ 75 સ્ટોલ તથા 112 હસ્ત કલાકારો-વૈદુ ભગતો ઉપસ્થિત રહ્યા છે. મંત્રીએ આદિવાસી હસ્ત કલાકારો અને વૈદુ ભગતોના સ્ટોલોની મુલાકાત લઈને પ્રોત્સાહિત કર્યા હતા.
આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, આપણે પ્રાકૃતિક, કુદરતી ખેતીવાડી કે અન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ, પરંતુ તેને બ્રાન્ડ બનાવી શક્યા નથી. જે માટે આ વસ્તુઓ પર વિશ્વાસ, ગુણવત્તા અને ભરોસો ઊભો કરવાનો છે, જેથી આપણે આપણી ચીજ વસ્તુઓની સારી બ્રાન્ડ બનાવી શકીએ. આમ, આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા અને વનૌષધિઓના સંરક્ષણ માટે બ્રાન્ડિંગ તેમજ આધુનિક અભિગમ ખૂબ જરૂરી છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, આજે સમાજમાં ફાસ્ટ ફૂડવાળા ખોરાકને કારણે અનેક રોગ વધ્યા છે. આ રોગોને નિવારવા માટે પ્રાકૃતિક પેદાશોવાળા ખોરાકની ખૂબ જ જરૂરિયાત છે. આગામી સમયમાં પ્રાકૃતિક ચીજ વસ્તુઓની ખૂબ આવશ્યકતા રહેવાની હોવાથી આ પ્રાકૃતિક અને પરંપરાગત ચીજ વસ્તુઓ જાળવી રાખવી અત્યંત જરૂરી છે.
મંત્રી પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, હસ્તકલા, પોશાક, ભાષા, નૃત્ય, ખોરાક, વન ઔષધીઓ, વિચારો, આધ્યાત્મિકતા વગેરેનું સવિશેષ સંરક્ષણ તેમજ સંવર્ધન થાય તે માટે સતત ચિંતનશીલ અને પ્રયત્નશીલ રહ્યા છે. જે માટે તેમણે આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી છે.

