ભાવનગરઃ જિલ્લાના સિહોર તાલુકામાં સિંચાઈની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ખેડુતોને પરેશાની વેઠવી પડી રહી છે. સિંચાઈ માટે નર્મદા યોજનાનો લાભ આ વિસ્તારને મળ્યો નથી. ઉપરાંત શેત્રુજી સિંચાઈ યોજનાનો લાભ પણ મળતો નથી. એટલે ખેડુતોએ બોર અને કૂવા આધારિત સિંચાઈ કરવી પડે છે, પાણીના તળ પણ ખૂબ ઊંડા ઉતરી ગયા છે. એટલે સૌની યોજનાનો આ વિસ્તારને લાભ આપીને ગામડાંના તળાવો ભરવામાં આવે તો જ પાણીના તળ ઊંચા આવે અને ખેડુતોને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે.
સિહોર તાલુકાના ખેડુતો સિંચાઇની સુવિધાથી વંચિત છે.ખેતી આધારિત સિહોર તાલુકામાં એક પણ સિંચાઇ સુવિધા નથી હાલમાં જયાં પણ થોડુ ઘણુ પાણી છે તેવા તળાવો પણ ઝળીયા ઝાટક થવાની તૈયારીમાં છે. સિહોરએ 78 ગામડાનો સમૂહ ધરાવતો તાલુકો છે. સિહોર તાલુકાના મોટા ભાગના ગામડાના લોકો ખેતી આધારિત જીવન જીવી રહ્યા છે. અને ગ્રામ્ય પંથકમાં તો ખેતી આજીવિકાનો મુખ્ય આધાર ગણાય છે. પરંતુ સિહોર પંથકના ધરતીપુત્રો આઝાદીના આટ-આટલા વરસો પછી સિંચાઇની સુવિધાથી વંચિત છે. પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમમાંથી તળાજા અને પાલિતાણા તાલુકાના ગ્રામ્ય પંથકના ધરતીપુત્રોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. આ ડેમમાંથી ડાબા કાંઠાની અને જમણા કાંઠાની એમ બે નહેર નીકળે છે. જેનાથી ધરતીપુત્રો શિયાળુ પાકમાં અને ઉનાળુ પાકમાં લાભ શકે છે. બીજી તરફ વલભીપુર પંથકના અમુક ગામોમાં પણ સિંચાઇની સુવિધા ઉપલબ્ધ છે. જયારે સિહોર તાલુકો હજી પણ સિંચાઇ જેવી સુવિધા ન મળવાને કારણે દુવિધા ભોગવી રહ્યો છે. સિહોર તાલુકાના ભાંખલ, થોરાળી, ટાણા, ખોડિયાર મંદિરનું તળાવ, આંબલા, વળાવડનું તળાવ, સિહોર ગૌતમેશ્વરનું તળાવ સહિતના તળાવોના તળિયા ઝાટક થવાની તૈયારીમાં છે. આથી આગામી દિવસોમાં ધરતીપુત્રોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.ગામડાંમાં મોટાભાગના લોકો ખેતી આધારિત જીવન જીવતાં હોય છે. ગામ્ય લેવલે ખેતીને પૂરતુ પ્રોત્સાહન આપવામાં આવે તે અત્યંત આવશ્યક છે.