Site icon Revoi.in

સાયલામાં ભારે વંટોળ ફુંકાતા ટ્રકે પલટી ખાધી, હવામાં પથ્થરો ઉડતા લોકો ઘવાયા

Social Share

સુરેન્દ્રનગર, 5 જુન, 2026 : Truck overturned due to heavy winds  જિલ્લાના સાયલા પંથકમાં બુધવારે સાંજના સમયે પ્રચંડ વાવાઝાડું ફુકાતા 10 કિલોમીટરના વિસ્તારમાં ભારે તબાહી મચાવી હતી. માત્ર 15 થી 20 સેકન્ડ સુધી આ વિસ્તારમાંથી પસાર થયેલા આ વંટોળે રસ્તામાં જે કંઈ આવ્યું તેને જડમૂળથી ઉખાડી ફેંક્યું હતું. જેમાં હવામાં પથ્થરો ઉડતા કેટલાક લોકોને ઈજાઓ થઈ હતી. તેમજ પેટ્રોલ પંપ પર ઊભેલી એક વિશાળ ટ્રક લોકોની નજર સામે જ રમકડાની જેમ પલટી ખાઈ ગઈ હતી.

હવામાન નિષ્ણાતોના મતે આ એક `ડસ્ટ ડેવિલ’ (ધૂળની ડમરીનું વંટોળ) હતું, જે સામાન્ય રીતે સૂકા વિસ્તારોમાં જમીન અતિશય ગરમ થવાને કારણે સર્જાતું હોય છે. માત્ર 15 થી 20 સેકન્ડ સુધી આ વિસ્તારમાંથી પસાર થયેલા આ વંટોળે રસ્તામાં જે કંઈ આવ્યું તેને જડમૂળથી ઉખાડી ફેંક્યું હતું. વંટોળ શમી ગયા બાદ વીજળીના કડાકા-ભડાકા અને મોટા કરાં સાથે ખાબકેલા ભારે વરસાદે લોકોની ચિંતામાં બમણો વધારો કર્યો હતો.

સ્થાનિક લોકોના કહેવા મુજબ આ વંટોળની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે સાયલા હાઈવે પર આવેલી એક હોટલ અને પેટ્રોલ પંપને મોટું નુકસાન પહોંચ્યું હતું. હવામાં પથ્થરો ઉડી રહ્યા હતા, જેના કારણે કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી હતી. પેટ્રોલ પંપ પર ઊભેલી એક વિશાળ ટ્રક લોકોની નજર સામે જ રમકડાની જેમ પલટી ખાઈ ગઈ હતી.જેમાં ઘવાયેલા ડ્રાઈવરને સ્થાનિકોએ તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ ઉપરાંત, પાર્ક કરેલી અન્ય કારો પણ હવામાં 20-20 ફૂટ દૂર ફંગોળાઈ ગઈ હતી અને તેના કાચ તૂટી ગયા હતા. વંટોળ દરમિયાન વિઝિબિલિટી ઘટીને માત્ર 10-20 મીટર જેટલી જ રહી જતાં વાહનચાલકો અને સ્થાનિકો ભારે ગભરાટમાં મૂકાઈ ગયા હતા. હાઈવે પરની હોટલથી માત્ર 10 ફૂટના અંતરેથી પસાર થયેલા આ વંટોળે આસપાસની અન્ય મિલકતોને પણ બાનમાં લીધી હતી. પંથકમાં આવેલી એક ગેસ એજન્સીના ગોડાઉનની પાકી દીવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. એટલું જ નહીં, એક સેન્ટર પર રાખવામાં આવેલી અને પાણીથી અડધી ભરેલી 5 હજાર લીટરની ક્ષમતાવાળી વિશાળ પાણીની ટાંકીને પણ આ વંટોળ હવામાં ઉડાવીને ક્યાંય દૂર ફેંકી દીધી હતી. પેટ્રોલ પંપના છાપરાના પતરાં હવામાં કાગળની જેમ ઉડી ગયા હતા. કુદરતના આ અણધાર્યા કોપને જોઈને એક સમયે લોકોને એવું લાગ્યું હતું કે આ વંટોળ બધું જ વેરવિખેર કરીને જ જંપશે.

હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, આ અચરજભરી ઘટના પાછળ ચોક્કસ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. સાયલા જેવા સૂકા પંથકમાં જમીન અતિશય ગરમ થવાને કારણે ગરમ હવા તીવ્ર ગતિએ ઉપર તરફ ગતિ કરે છે, જ્યારે ઉપર રહેલી ઠંડી હવા નીચે આવીને તેની જગ્યા લેવાનો પ્રયાસ કરે છે. ગરમ અને ઠંડી હવાના આ ચક્રાકાર પરિભ્રમણને કારણે કેન્દ્રમાં અતિ નીચું દબાણ (લો પ્રેશર) સર્જાય છે. આ પરિસ્થિતિમાં જમીનથી આકાશ સુધી એક મજબૂત વલય (વંટોળ) ઊભો થાય છે. આ કેન્દ્રમાં જે પણ વસ્તુ, ધૂળ કે રજકણો આવે તે પ્રચંડ ફોર્સના કારણે નીચેથી ઉપર તરફ ખેંચાઈને ફંગોળાવા લાગે છે, જેને વિજ્ઞાનની ભાષામાં `ડસ્ટ ડેવિલ’ કહેવામાં આવે છે.

Exit mobile version